મુંબઈ : ભારતના વિદેશી હૂડિંયામણમાં સળંગ ચાર સપ્તાહથી ચાલી રહેલા ધોવાણને બ્રેક લાગી છે. રિઝર્વ બેન્કના આંકડા મુજબ ૨૯ જુલાઇ, ૨૦૨૨ના રોજ સમાપ્ત થયેલા સપ્તાહ દરમિયાન ભારતનું ફોરેક્સ રિઝર્વ ૨.૩૧ અબજ ડોલર વધીને ૫૭૩.૮૭ અબજ ડોલર થયુ છે. ફોરેક્સ રિઝર્વમાં ચાર સપ્તાહ પછીનો આ પહેલો વધારો છે અને તે ત્રણ સપ્તાહની ઉંચી સપાટીને સ્પર્શ્યો છે. અગાઉ ૨૨ જુલાઇ, ૨૦૨૨ના રોજ સમાપ્ત થયેલા સપ્તાહના અંતે ભારતનું વિદેશી હૂંડિયામણ ૫૭૧ અબજ ડોલર અને ૧લી જુલાઇના રોજ ૫૮૮ અબજ ડોલર હતું. અગાઉ વિદેશી હૂડિંયામણમાં ઘટાડા પાછળનું મુખ્ય કારણ અમેરિકન કરન્સી સામે રૂપિયાના ધોવાણને રોકવા માટે રિઝર્વ બેન્ક દ્વારા ફોરેન કરન્સી એસેટ્સમાંથી ડોલરનું વેચાણ છે. ફોરેન કરન્સી એસેટ કુલ ફોરેક્સ રિઝર્વમાં મોટું યોગદાન આપે છે. ડોલર સિવાયની અન્ય કરન્સી જેવી કે યુરો, પાઉન્ડ અને યેન જેવી ગ્લોબલ કરન્સીના ડોલરની સામેના ઘસારાની અસર પણ એફસીએ પર પડે છે. આ વખતે સમીક્ષાધીન સપ્તાહ દરમિયાન ફોરેન કરન્સી એસેટ્સ ૧.૧૨ અબજ ડોલર વધીને ૫૧૧.૨૫ અબજ ડોલર થયુ છે. તો સોનાના ભાવમાં વૃદ્ધિના પગલે ગોલ્ડ રિઝર્વ પણ ૧.૧૪ અબજ ડોલર વધીને ૩૯.૬૪ અબજ ડોલર થયુ છે. તો સમિક્ષાધીન સપ્તાહમાં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડમાં ભારતના સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ ૨.૨ કરોડ ડોલર વધીને ૧૭.૯૮ અબજ ડોલર અને રિઝર્વ પોઝિશન પણ ૩.૧ કરોડ ડોલર વધીને ૪.૯૯ અબજ ડોલર થઇ હતી.