કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ સોમવારે કર્મચારી પેન્શન યોજના (EPS) હેઠળ વધુ પેન્શન માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ કરી. સેવાનિવૃત્તિ કોષનું મેનેજમેન્ટ કરનારી શાખાએ જણાવ્યું કે આ માટે સભ્યો અને તેમના નિયોક્તા સંયુક્ત રીતે અરજી કરી શકશે.
નવેમ્બર 2022માં સુપ્રીમ કોર્ટે કર્મચારી પેન્શન (સંશોધન) યોજના 2014 ને યથાવત રાખી હતી. આ અગાઉ 22 ઓગસ્ટ 2014ના ઈપીએસ સંશોધને પેન્શન યોગ્ય મર્યાદાને 6500 રૂપિયા પ્રતિ માસથી વધારીને 15,000 રૂપિયા પ્રતિ માસ કરી હતી. આ સાથે જ સભ્યો ને તેમના નિયોક્તાઓને ઈપીએસમાં તેમના વાસ્તવિક વેતનનો 8.33 ટકા ભાગ યોગદાન કરવાની મંજૂરી આપી હતી.
ઈપીએફઓએ એક કાર્યાલય આદેશમાં પોતાના ફિલ્ડ કાર્યાલયો દ્વારા ‘સંયુક્ત વિકલ્પ ફોર્મ’ને પહોંચી વળવા અંગે જાણકારી આપી હતી. ઈપીએફઓએ કહ્યું કે એક સુવિધા આપવામાં આવશે જેના માટે જલદી યુઆરએલ (યુનિક રિસોર્સ લોકેશન) જણાવવામાં આવશે. તેના મળ્યા બાદ ક્ષેત્રીય પીએફ આયુક્ત વ્યાપક જાહેર સૂચના માટે નોટિસ બોર્ડ અને બેનર દ્વારા જાણકારી આપશે.
આદેશ મુજબ પ્રત્યેક અરજીને રજિસ્ટર્ડ કરવામાં આવશે. ડિજિટલ રૂપે લોગ ઈન કરવામાં આવશે અને અરજીને રસીદ સંખ્યા આપવામાં આવશે. આગળ કહેવાયું છે કે સંબધિત ક્ષેત્રીય ભવિષ્ય નિધિ કાર્યાલયના પ્રભારી અધિકારી ઉચ્ચ વેતન પર સંયુક્ત વિકલ્પના પ્રત્યેક મામલાની તપાસ કરશે. ત્યારબાદ અરજીકર્તાને ઈ-મેઈલ/પોસ્ટ દવારા અને બાદમાં એસએમએસ દ્વારા નિર્ણયની જાણકારી આપવામાં આવશે. આદેશમાં કહેવાયું છે કે આ નિર્દેશ સુપ્રીમ કોર્ટના ચાર નવેમ્બર 2022ના આદેશના અનુપાલનમાં જારી કરવામાં આવી રહ્યો છે.