તિહાર જેલમાં બંધ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ગુરુવારે દેશને એક ખુલ્લો પત્ર લખ્યો છે. કેન્દ્ર સરકાર પર ષડયંત્રનો આરોપ લગાવતા સિસોદિયાએ લખ્યું કે, ભાજપ લોકોને જેલમાં ધકેલી દેવાની રાજનીતિ કરી રહી છે. અમે બાળકોને ભણાવવાની રાજનીતિ કરી રહ્યા છીએ. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલનો ગુનો એટલો છે કે તેમણે વડાપ્રધાનની સામે વૈકલ્પિક રાજનીતિ બનાવી, એટલે જ કેજરીવાલ સરકારના બે પ્રધાનો હાલમાં જેલમાં છે.
તેમણે આગળ લખ્યું કે, જેલની રાજનીતિ ભલે સફળ થતી જણાય, પરંતુ ભારતનું ભવિષ્ય શાળાકીય રાજકારણમાં સમાયેલું છે. જો આખા દેશનું રાજકારણ તન, મન અને ધનથી શિક્ષણ ક્ષેત્રને આગળ વધારવાના કામમાં લાગી ગયું હોત તો વિકસિત દેશોની જેમ દેશમાં દરેક બાળક માટે સારી શાળાઓનું નિર્માણ થયું હોત.
સિસોદિયાએ પત્રમાં લખ્યું છે કે, હું જેલની અંદરથી જોઈ શકું છું કે જ્યારે રાજનીતિમાં સફળતા જેલ ચલાવવાથી મળી રહી છે, તો પછી કોઈને શાળા ચલાવવાની રાજનીતિની જરૂર કેમ લાગશે. બાળકો માટે સારી શાળા-કોલેજો ખોલવા કરતાં સત્તા સામે ઊઠેલા અવાજને જેલમાં મોકલવો વધુ સરળ છે. એકવાર શિક્ષણનું રાજકારણ રાષ્ટ્રીય મંચ પર આવશે, તો જેલોનું રાજકારણ હાંસિયામાં ધકેલાઈ જશે એટલું જ નહીં, જેલો પણ બંધ થવા લાગશે.