– કંપનીઓ નફાશક્તિ પર વધુ ધ્યાન કેન્દ્રીત કરે તેવી રોકાણકારોની અપેક્ષા
– ૨૦૨૧ તથા ૨૦૨૨ની સરખામણીએ અપેક્ષાઓ ધરમૂળથી બદલાઈ ગઈ
સમાપ્ત થયેલા માર્ચ ત્રિમાસિકમાં ભારતીય સ્ટાર્ટઅપ્સમાં ફન્ડિંગમાં વાર્ષિક ધોરણે ૭૦ ટકા ઘટાડો નોંધાયો છે. આવક વૃદ્ધિ કરતા નફામાં વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રીત કરવા રોકાણકારો દ્વારા સંચાલકો પાસેથી અપેક્ષા રાખવામાં આવી રહી છે. ગયા વર્ષના માર્ચ ત્રિમાસિકમાં ૧૩.૮૦ અબજ ડોલરની સામે વર્તમાન વર્ષના માર્ચ ત્રિમાસિકમાં સ્ટાર્ટઅપ્સમાં કુલ ૩.૮૩ અબજ ડોલરનું ઈક્વિટી ફન્ડિંગ જોવા મળ્યું છે.
૨૦૧૯,૨૦૨૦ તથા ૨૦૨૧ના માર્ચ ત્રિમાસિકમાં સ્ટાર્ટઅપ્સ દ્વારા અનુક્રમે ૫.૪૫ અબજ ડોલર, ૬.૯૩ અબજ ડોલર તથા ૭.૬૨ અબજ ડોલર ઊભા કરાયા હતા, એમ એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું હતું.
આગામી કેટલાક મહિનાઓમાં પણ ફન્ડિંગની સ્થિતિ નબળી રહેવાની ધારણાં છે. રોકાણકારો હવે કંપનીની નફાશક્તિ, ઈબીડીટા વગેરે જેવા મુદ્દાને પ્રાધાન્ય આપી રહ્યા છે. છે.
કંપનીઓ પોતાની વ્યૂહરચના બદલે તેવી તેઓ આશા રાખી રહ્યા છે. કંપનીઓએ વધુ ઈન્વેસ્ટમેન્ટસ જોઈતું હશે તો તેમણે નફા પર ખાસ ધ્યાન આપવાનું રહેશે. જો કે આ બદલાવ જલદી જોવા નહીં મળે અને મોટા કદના કરાર તો સાવ જ અદ્રષ્ય થઈ જવાની સ્થિતિમાં છે, એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
વિકાસના તબક્કામાં આવી ગયેલી કંપનીઓને ફન્ડિંગ પૂરી પાડવાની માત્રા કેલેન્ડર વર્ષ ૨૦૨૧ના ચોથા ત્રિમાસિક ગાળાથી સતત ઘટી રહી છે. ૨૦૨૧ના ચોથા ત્રિમાસિકમાં લેટ સ્ટેજ કંપનીઓએ ૧૪.૯૦ અબજ ડોલર ઊભા કર્યા હતા જે કેલેન્ડર વર્ષ ૨૦૨૨ના પ્રથમ ત્રિમાસિકમાં ઘટી ૯.૩૧ અબજ ડોલર રહ્યું હતું અને ત્યારબાદના ત્રિમાસિકમાં ૮.૯૨ અબજ ડોલર જોવાયું હતું.
ફન્ડિંગમાં ઘટાડો થવાનું એક કારણ એ પણ રહ્યું છે કે પ્રારંભિક તબક્કાની કંપનીઓએ યા તો કામકાજ સમેટી લેવાની ફરજ પડી છે અથવા તો તેમણે પોતાનો વેપાર મોટી કંપનીઓને વેચી દીધો છે. આને પરિણામે ગયા વર્ષની સરખામણીએ વર્તમાન વર્ષમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યા પણ ઘટી ગઈ હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
સ્ટાર્ટઅપમાં ફંડિગ
સમયગાળો | ફંડિગ (અબજ ડોલર) |
જાન્યુ.-માર્ચ’૧૯ | ૫.૪૫ |
જાન્યુ.-માર્ચ’૨૦ | ૬.૯૩ |
જાન્યુ.-માર્ચ’૨૧ | ૭.૬૨ |
જાન્યુ.-માર્ચ’૨૨ | ૧૩.૮ |
જાન્યુ-માર્ચ’૨૩ | ૩.૮૩ |