– 2008માં એક નંબરની પ્લેટ 5.23 કરોડ દિરહમમાં વેચાઇ હતી
– નંબર પ્લેટ અને ફોન નંબરથી હરાજીથી પ્રાપ્ત 10 કરોડ દિરહમનો ઉપયોગ રમઝાનમાં લોકોને જમાડવા માટે કરાશે
દુબઇમાં સૌથી મોંઘી નંબર પ્લેટની હરાજી કરવામાં આવી હતી. જેમાં કેટલાક નંબર કરોડો રૂપિયાના ભાવમાં વેચવામાં આવ્યા હતી. પી૭ નંબર પ્લેટ આ હરાજીમાં સૌથી મોંઘા ભાવે વેચવામાં આવ્યો હતો. આ નંબર પ્લેટની વેચાણ કીંમત એટલી વધારે છે કે આ રકમમાંથી મુંબઇના પોશ વિસ્તારમાં કરોડો રૂપિયાનું ફલેટ ખરીદી શકાય.
દુબઇમાં મોસ્ટ નોબલ નંબર્સની હરાજી દરમિયાન કારની નંબર પ્લેટ પી૭ વિક્રમજનક ૫.૫ કરોડ દિરહમ એટલે કે ૧,૨૨,૬૧,૪૪,૭૦૦ રૂપિયામાં વેચવામાં આવી હતી. હરાજીમાં આ નંબરની બોલી ૧.૫ કરોડ દિરહમથી થઇ હતી.
થોડીક જ સેકન્ડોમાં આ બોલી ત્રણ કરોડ દિરહમ સુધી પહોંચી ગઇ હતી. જો કે ૩.૫ કરોડ દિરહમ પર જઇને આ બોલી થોડાક સમય માટે રોકાઇ ગઇ હતી. જો કે ત્યારબાદ આ બોલી ૫.૫ કરોડ દિરહમ પર પહોંચી ગઇ હતી.
જુમેરાની ફોર સિઝન નામની હોટેલમાં થયેલ આ કાર્યક્રમમાં અન્ય વીઆઇપી નંબર પ્લેટ અને ફોન નંબરની પણ હરાજી કરવામાં આવી હતી. હરાજી દ્વારા લગભગ ૧૦ કરોડ દિરહમ (૨.૭ કરોડ ડોલર) એકત્ર કરવામાં આવ્યા હતાં. જે રમઝાન દરમિયાન લોકોને જમાડવા માટે આપવામાં આવશે. કારની નંબર પ્લેટો અને એક્સકલુસિવ મોબાઇલ નંબરોની હરાજીથી કુલ ૯.૭૯૨ કરોડ દિરહમ મળ્યા છે.
અમીરાત ઓક્શન, દુબઇના સડક અને પરિવહન ઓથોરિટી તથા ટેલિકોમ કંપનીઓ એતિસલાત તથા ડૂ દ્વારા આ હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અગાઉ ૨૦૦૮માં એક ઉદ્યોગપતિએ અબુ ધાબીની નંબર ૧ પ્લેટ માટે ૫.૨૨ કરોડ દિરહમની બોલી લગાવી હતી.
આ હરાજીથી થયેલ એકત્ર થયેલ રકમ વન બિલિયન મીલ્સ અભિયાનને સોંપી દેવામાં આવશે. જેની સ્થાપના વૈશ્વિક ભૂખમરાને દૂર કરવાના ઉદ્દેશથી કરવામાં આવી હતી.