Election 2024 : ચૂંટણી પંચે 16મી ઓગસ્ટે જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે, તો બીજીતરફ કોંગ્રેસે (Congress) પણ લોકસભા બાદ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી ભાજપ (BJP)ને ટેન્શન આપવાની કામગીરી શરૂ કરી દીધી છે. મળતા અહેવાલો મુજબ આગામી મહિને જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી યોજાય, તે પહેલા કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે (NC) ગઠબંધન કર્યું છે. એટલું જ નહીં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) પણ ગઠબંધનમાં સામેલ થવાની અટકળો વહેતી થઈ છે.નેશનલ કોન્ફરન્સના પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા (Farooq Abdullah)એ આજે (22 ઓગસ્ટ) કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની જાહેરાત કરી છે. લોકસભાના વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) જમ્મુ-કાશ્મીરની મુલાકાતે ગયા હતા, તે દરમિયાન બંને પાર્ટીઓ વચ્ચે ગઠબંધન અંગે સમજૂતી થઈ છે. જમ્મુ-કાશ્મીરની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી, કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને ફારુક અબ્દુલ્લા વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, આપણે તમામ 90 બેઠકો પર લડીશું. કોંગ્રેસ, સીપીઆઈએમ અને એનસી એક સાથે છે. તેમણે પીડીપી અંગે કહ્યું કે, કોઈપણ પક્ષ માટે દરવાજા બંધ નથી.
જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં યોજાશે મતદાન :
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં આગામી મહિને ત્રણ તબક્કામાં મતદાન યોજાવાનું છે. ચૂંટણી પંચની જાહેરાત મુજબ અહીં 18 સપ્ટેમ્બર, 25મી સપ્ટેમ્બર અને પહેલી ઓક્ટોબરે મતદાન યોજાશે, જ્યારે ચોથી ઓક્ટોબરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. કોંગ્રેસે ગિરીશ ચોડનકરને ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી માટે સ્ક્રીનિંગ સમિતિના ચેરમેન બનાવ્યા છે. પૂનમ પાસવાન અને પ્રકાશ જોશીને સમિતિના સભ્ય બનાવ્યા છે. કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરની સ્ક્રીનિંગ સમિતિની જવાબદારી સુખજિંદર સિંહ રંધાવાને સોંપવામાં આવી છે. આ સમિતિના સદસ્ય એન્ટોન એન્ટોનિયો અને સચિન રાવ હશે. આ સિવાય ચારેય રાજ્યોમાં કોંગ્રેસની સ્ક્રીનિંગ સમિતિમાં પ્રદેશ અધ્યક્ષ, સીએલપી નેતા અને કોંગ્રેસના પ્રદેશ પ્રભારીને પણ સામેલ કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે.