નવી દિલ્હી : ખેડૂતોની ફરિયાદોનું હંમેશા માટે સૌહાદપૂર્ણ રીતે ઉકેલ લાવવા માટે ટૂંક સમયમાં એક સમિતિની રચના કરવામાં આવશે તેમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે વધુમાં પંજાબ અને હરિયાણા સરકારોને નિર્દેશ આપ્યા છે કે તે શંભુ સરહદેથી ટ્રેકટર અને ટ્રોલીઓ ખસેડવા માટે દેખાવો કરી રહેલા ખેડૂતોને સમજાવે.ન્યાયમૂર્તિ સૂર્ય કાંત, ન્યાયમૂર્તિ દિપાન્કર દત્તા અને ન્યાયમૂર્તિ ઉજ્જલ ભુયાનની બનેલી ખંડપીઠે આ કેસની વધુ સુનાવણી બીજી સપ્ટેમ્બરના રોજ રાખી છે. ખંડપીઠે પંજાબ અને હરિયાણા સરકારને નિર્દેશ આપ્યા છે કે તે દેખાવો કરી રહેલા ખેડૂતોને જણાવે કે કોર્ટ થતા બંને રાજ્યો તેમના મુદ્દાઓ માટે ચિંતિત છે અને તેમની ફરિયાદોના નિકાસલ માટે એક ફોરમની રચના કરવામાં આવી છે. ખંડપીઠે પોતાના આદેશમાં પંજાબના એડવોકેટ જનરલ અને હરિયાણાના એએજીને સૂચિત મુદ્દાઓ રજૂ કરવા જણાવ્યું છે.આ મુદ્દાઓ કોર્ટ દ્વારા નિમાયેલી સમિતિ માટે રેફરન્સ તરીકે મદદરૂ થશે.આ કેસના એક વકીલે જણાવ્યું હતું કે પંજાબ વિધાનસભામાં વિરોધ પક્ષ ના નેતા પ્રતાપસિુંહ બાજવાને સમિતિમાં સભ્ય બનાવવામાં આવે કારણકે તે હાઇકોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવેલી અરજીના ઓરિજિનલ પિટિશનર છે.જો કે આ પ્રસ્તાવનોે હરિયાણાના સિનિયર એડિશનલ એડવોકેટ જનરલ લોકેશ સિંહાએ વિરોધ કરતા જણાવ્યું હતું કે આ સમિતિમાં કોઇ પણ રાજકીય વ્યકિતને સામેલ કરવો ન જોઇએ. ખંડપીઠે પણ જણાવ્યું હતું કે અમે સમિતિમાં અમે કોઇ પણ રાજકીય વ્યકિતને સામેલ કરીશું નહીં. ઉલ્લેખનીય છે કે પંજાબ અને હરિયાણાના ખેડૂતો ૧૩ ફેબુ્રઆરીથી શંભુ બોર્ડર પર દેખાવોે કરી રહ્યાં છે. ખેડૂતો તેમની ખેત પેદાશો માટે ટેકાના ભાવ માટે કાયદાકીય ગેરંટીની માંગ કરી રહ્યાં છે. સુપ્રીમ કોર્ટ હાઇકોર્ટના એ આદેશને પડકારતી હરિયાણા સરકારની અરજી પર સુનાવણી કરી રહી હતી જેમાં તેને અંબાલાની પાસે શંભુ બોર્ડર પર લગાવવામાં આવેલા બેરિકેડને એક સપ્તાહની અંદર દૂર કરવા જણાવવામાં આવ્યું હતું.