મહુધામાં ૧૨ ઈંચ વરસાદ ખાબકી જતાં જળબંબાકાર

0
47

ખેડામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી : જિલ્લા કલેક્ટરની તંત્રને સતર્ક રહેવા સૂચના : તંત્ર હાઇએલર્ટ પર

અમદાવાદ, તા.૯
ગુજરાતના અનેક વિસ્તારોમાં પડી રહેલા ભારે વરસાદને પગલે હવામાન વિભાગે ખેડા જિલ્લામાં ૨૪ કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી, જેના અનુસંધાનમાં આજે ખેડા જિલ્લાના મહુધામાં આજે સવારના ૬ વાગ્યાથી સાંજના ૫ વાગ્યા સુધીમાં લગભગ ૩૦૦ મિ.મિ. એટલે કે ૧૧ કલાકમાં જ ૧૨ ઈંચ વરસાદ ખાબકતાં સમગ્ર મહુધા પંથક જાણે બેટમાં ફેરવાઇ ગયો હતો. મહુધામાં સર્વત્ર પાણી જ પાણી અને જળબંબાકારની Âસ્થતિ સર્જાઇ હતી. બપોરના ૧૨થી ૨ વાગ્યા દરમિયાન ૧૬૮ મિ.મિ. એટલે કે બે કલાકમાં જ સાડા છ ઈંચ વરસાદ પડ્‌તાં મહુધાના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ બન્યા હતા. હજુ પણ ખેડા જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા કલેક્ટર સુધીર પટેલે લોકોને તકેદારી રાખવા સૂચના આપી હતી. વરસાદના સંજોગોમાં બહાર નહી નીકળવા, પાણી ભરાયા હોય એવા સ્થળો, નદી કાંઠાઓ, તળાવો, ચેકડેમોથી દૂર રહેવા, વીજ પોલ અને ટ્રાન્સફોર્મરથી દૂર રહેવા અને જરૂર લાગે ત્યારે સલામત સ્થળે ખસવા માટે સુસજ્જ રહેવા અનુરોધ કર્યો હતો. આ સિવાય કલેક્ટરે તમામ તાલુકા પંચાયત તંત્ર, જિલ્લા પંચાયત તંત્ર અને જિલ્લા પોલીસ તંત્રને સતર્ક રહેવા સૂચના આપી હતી. તેની સાથે સાથે નડીયાદ નગરપાલિકા તંત્રને પણ એલર્ટ કર્યું હતું.તમામ તાલુકા પૂર નિયંત્રણ કક્ષોને જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ સાથે સતત સંપર્ક જાળવવા અને વરસાદી ઘટનાઓની સતત જાણ કરવા સૂચના આપી હતી. હવામાન વિભાગની આગાહીના પગલે ગત રોજ સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને રાત્રી દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ કુકરમુંડામાં ૮ ઈંચ વરસાદ પડ્‌યો છે. જ્યારે નીઝરમાં સાત ઈંચ વરસાદ ખાબક્યો છે. સુરત જિલ્લાના ઉમરપાડામાં ૪ ઈંચ વરસાદ પડ્‌યો છે. ઉચ્છલ,સુબિર અને માંગરોળમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે માંડવી અને સોનગઢમાં બે ઈંચ જેટલો વરસાદ પડ્‌યો છે. દક્ષિણ ગુજરાતના ૩૨ તાલુકામાં ૧ મિમિથી લઈને ૮ ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. તો રાજકોટ અને તેની આસપાસના વિસ્તારો અને પંથકોમાં પણ ચારથી પાંચ વરસાદ નોંધાયો હતો. તો, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો અને પંથકોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો.