સરકાર આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ

0
30

આદિજાતિના લોકોને આરોગ્ય, શિક્ષણ, પાણી અને રસ્તા સહિત ભૌતિક સુવિધા આપવા માટે સરકાર પ્રયત્નશીલ

અમદાવાદ,તા.૯
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અંબાજીથી ઉમરગામ સુધીના સમગ્ર આદિવાસી વિસ્તારના ૧૪ જિલ્લાના ૫૩ તાલુકાઓના સર્વાંગી વિકાસની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. તેમણે આદિવાસી વિસ્તારમાં સૈનિક શાળાઓ શરૂ કરવાનું આયોજન રાજ્ય સરકારનું હોવાનું પણ જણાવ્યું છે. વિશ્વ આદિવાસી દિનની દાહોદ ખાતે રાજ્ય કક્ષાની ઉજવણીમાં સહભાગી બનેલા મુખ્યમંત્રીએ આદિજાતિના નાગરિકોને આરોગ્ય, અદ્યતન શિક્ષણ, પાણી, રસ્તા સહિતની ભૌતિક સુવિધાઓ અને વિકાસ કામો માટે રાજ્ય સરકારે બજેટમાં આદિજાતિ વિકાસ કામો માટે ર૪૮૧ કરોડ ફાળવ્યા છે એમ તેમણે ઉમેર્યુ હતું. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે વનબંધુ કલ્યાણ યોજનાનો પ્રારંભ કર્યો હતો. આ યોજના તહત રાજ્યના આદિવાસી સમાજને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં વનબંધુ કલ્યાણ યોજના હેઠળ ૯૦ હજાર કરોડ આદિવાસી સમાજના કલ્યાણ માટે વાપરવામાં આવ્યા છે. આદિવાસી નરબંકાઓનું પુણ્ય સ્મરણ કરતા રૂપાણીએ કહ્યું કે, બીરસા મુંડાએ અંગ્રેજોને ધૂળ ચાટતા કરી દીધા હતા. ગુજરાતમાં માનગઢ ખાતે ગોવિંદ ગુરુએ અંગ્રેજો સામે લડાઇ કરતી હતી અને આ જંગમાં ૧૫૦૦ આદિવાસીઓ શહીદ થયા હતા. આવા અનેક શૂરવીરોએ ભારત ભોમકાનું રક્ષણ કર્યું છે. આદિવાસી સમાજ હંમેશા દેશની પડખે ઉભો રહ્યો છે. વિજય રૂપાણીએ કહ્યું કે વન્ય સંપદા અને વન્ય પ્રાણીઓનું આદિવાસી રક્ષણ કરે છે. વન પ્રત્યેના આદિવાસી સમાજના સમર્પણના પરિણામે જ આપણે કુદરતી વનની અણમોલ ભેટનું સંરક્ષણ કરી શક્યા છીએ તેમ ઉમેર્યુ હતું. જંગલ વિસ્તારના જમીનના અધિકારો આદિવાસીઓને આપવામાં આવ્યા છે, તેમ કહેતા મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ગૌણ વનપેદાશ, ખનીજના અધિકારો આદિવાસી સમાજને રાજ્ય સરકાર દ્વારા પેસા એક્ટ હેઠળ આપવામાં આવ્યા છે. વર્ષોથી પેસા એક્ટના અમલની વાતો થતી હતી, પણ આ સરકારે તેનો તુરંત જ અમલ કર્યો છે. હવે, આદિવાસી સમાજ પણ સૌનો સાથ અને સૌના વિકાસ મંત્રને ફળીભૂત કરવા લાગી ગયો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, આદિવાસી સમાજના આરોગ્યની ચિંતા રાજ્ય સરકારે કરી છે. મુખ્યમંત્રી અમૃતમ યોજના ઉપરાંત ગંભીર બિમારીગ્રસ્ત આદિજાતિના લોકોને આદિવાસી પેટા યોજના હેઠળ આર્થિક સહાય આપવામાં આવે છે. શિક્ષણ માટે મોડેલ શાળા, એકલવ્ય શાળા, છાત્રાલયો શરૂ કરવામાં આવી છે. તેમણે ઉમેર્યુ કે આદિજાતિ વિસ્તારના બાળકોના પોષણ માટે ૧૧ લાખ આદિજાતિ બાળકોને દૂધ સંજીવની યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના માટે પણ ૧૪૩ કરોડની જોગવાઇ કરી છે. નાના ગામોમાં પણ વીજળી પહોંચાડવામાં આવી છે. વનના અંતરિયાળ વિસ્તારના ગામો સુધી જવાના રસ્તા પાકા બનાવવામાં આવ્યા છે. આમ, ટ્રાયબલ બેલ્ટનો સર્વાંગી વિકાસ કરવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય છે તેમ કહી મુખ્યમંત્રીએ આ તકે રાજ્યના તમામ આદિવાસીઓને વિશ્વ આદિવાસી દિનની શુભકામનાઓ પાઠવી હતી.