અમિત શાહ જે અનુચ્છેદ 371ને સ્પર્શ કરવાનો પણ ઇન્કાર કરે છે તે શો છે?

0
22

ગૃહમંત્રી અમિત શાહે ફરી એક વખત અનુચ્છેદ 371માં ભવિષ્યમાં કોઈ પ્રકારનો ફેરફાર ન કરવાનું આશ્વાસન આપ્યું છે.

ગૌહાટીમાં આયોજીત પૂર્વોત્તર-પરિષદના 68માં સત્ર દરમિયાન આઠ મુખ્ય મંત્રીઓની હાજરીમાં

શાહે જણાવ્યું, “જમ્મુ અને કાશ્મીરમાં અનુચ્છેદ 370 હઠાવાયા બાદ પૂર્વોત્તરના લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરાઈ રહ્યા છે કેન્દ્ર સરકાર દ્વારા અનુચ્છેદ 371ને પણ ખતમ કરી દેશે.”

“મેં સંસદમાં સ્પષ્ટતા કરી છે કે આવું કંઈ થવાનું નથી. મોદી સરકાર અનુચ્છેદ 371 સાથે કોઈ છેડછાડ નહીં કરે.” ત્યારે મહત્ત્વનું છે કે ભારતમાં જમ્મુ-કાશ્મીર એકલું એવું રાજ્ય નહોતું જેને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો.

ભારતીય બંધારણની અનુચ્છેદ 371 હેઠળ દેશનાં અન્ય રાજ્યોને પણ વિશેષ અધિકારો આપવામાં આવ્યા છે.

જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને પૂર્વોત્તરના રાજ્યો માટે પણ બંધારણમાં વિશેષ જોગવાઈએ કરવામાં આવી છે.

નોંધનીય છે કે આ બીજી એવી ઘટના છે કે ગૃહમંત્રીએ અનુચ્છેદ 371ને સંપૂર્ણ સન્માન આપવાની વાત કરી છે.


અનુચ્છેદ 371 શો છે?

પૂર્વોત્તર સહીત દેશનાં લગભગ 11 રાજ્યોમાં અનુચ્છેદ 371ની વિવિધ જોગવાઈ લાગુ છે.

આ અનુચ્છેદને કારણે કેન્દ્ર સરકાર સંબંધિત રાજ્યોમાં વિકાસ, સુરક્ષા વગેરમાં સંબંધીત કાર્ય કરી શકે છે.

એટલે કે એક પ્રકારે આ અનુચ્છેદ રાજ્યોને વિશેષ દરજ્જા જેવા અધિકારો પ્રદાન કરે છે.

મહારાષ્ટ્ર અને ગુજરાત જેવાં રાજ્યોના રાજ્યપાલને અનુચ્છેદ 371 અંતર્ગત એવા વિશેષ અધિકાર અપાયા છે કે તેઓ મહારાષ્ટ્રના વિદર્ભ, મરાઠવાડા અને ગુજરાતના સૌરાષ્ટ્ર તેમજ કચ્છ માટે અલગ વિકાસ બોર્ડ બનાવી શકે છે.


ગુજરાત માટે કઈ વિશેષ જોગવાઈઓ છે?

જમ્મુ અને કાશ્મીરને અત્યાર સુધી વિશેષ દરજ્જો આપનારા અનુચ્છેદ 370ની માફક જ અનુચ્છેદ 371 હેઠળ અમુક રાજ્યોને વિશેષ દરજ્જો પ્રદાન કરાયો છે. અનુચ્છેદ 371 હેઠળ ગુજરાત અને મહારાષ્ટ્રને ખાસ અધિકારો મળેલા છે.

371ના ખંડ 2 મુજબ સૌરાષ્ટ્ર, કચ્છ અને બાકીના ગુજરાત માટે રાજ્યપાલની ભલામણને આધારે રાષ્ટ્રપતિ જુદાંજુદાં વિકાસ બોર્ડો બનાવી શકે છે.

તેમાંનાં તમામ બોર્ડનો રિપોર્ટ દર વર્ષે રાજ્યની વિધાનસભામાં મૂકવામાં આવે તે જરૂરી છે.

સમગ્ર રાજ્યની જરૂરિયાતોને ધ્યાને લઈને આ વિસ્તારોના વિકાસખર્ચ માટે નાણાંની ન્યાયી ફાળવણી પણ કરવાની જોગવાઈ છે.

આ વિસ્તારો માટે અનુચ્છેદ 371 હેઠળ ટેકનિકલ શિક્ષણ અને વ્યવસાય-તાલીમ માટે પૂરતી સગવડો તથા રાજ્ય સરકારના નિયંત્રણ હેઠળની સેવાઓમાં નોકરી માટેની પૂરતી તકોની જોગવાઈ કરી શકાય છે.

આ જ અનુચ્છેદ માં મહારાષ્ટ્રના વિદર્ભ અને મરાઠાવાડા માટે ઉપરોક્ત જોગવાઈઓ લાગુ પડે છે.

જોકે, અનુચ્છેદ 371 જમ્મુ-કાશ્મીરને લાગુ પડતો નથી.

પહેલાં બંધારણના અનુચ્છેદ 371માં ખંડ 2માં ગુજરાત અને મહારાષ્ટ્રના સ્થાને ‘મુંબઈ રાજ્ય’ શબ્દનો ઉપયોગ થતો હતો.

જોકે, મુંબઈ પુનર્રચના અધિનિયમ, 1960 (સન 1960ના 11મા)ની કલમ 85થી ‘મુંબઈ રાજ્ય’ શબ્દોના સ્થાને ‘મહારાષ્ટ્ર અથવા ગુજરાત રાજ્ય’ શબ્દો મુકાયા છે.


આ રાજ્યો માટે પણ કરાઈ છે ખાસ જોગવાઈઓ

અનુચ્છેદ 371 હેઠળ ઉત્તર પૂર્વ ભારતમાં સ્થાનિક આદિવાસી સંસ્કૃતિના સંરક્ષણના હેતુથી રાજ્યો માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.

જેમાં અનુચ્છેદ 371A મુજબ નાગાલૅન્ડ માટે પણ બંધારણમાં ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે.

અનુચ્છેદ 371A મુજબ ભારતની સંસદમાં પસાર કોઈ પણ કાયદો – જે નાગાલૅન્ડના સ્થાનિક લોકોની ધાર્મિક કે પછી સામાજિક પરંપરાઓને લગતો હોય, રૂઢિગત કાયદાઓ કે પછી પ્રક્રિયાઓ, નાગા સમુદાયના પરંપરાગત કાયદાઓના આધારે લીધેલા નાગરિક અથવા ન્યાયિક વહીવટના નિર્ણયો, સંપત્તિની માલિકી અને ટ્રાન્સફર તથા ત્યાંના સંસાધનોને લગતો હોય તો તે સીધો લાગુ પડતો નથી.

સંસદ દ્વારા પસાર આવા કોઈ પણ કાયદા માટે નાગાલૅન્ડની વિધાનસભાની મંજૂરી જરૂરી છે અને વિધાનસભાએ આ અંગેનો પ્રસ્તાવ લાવવો પડે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ વિપક્ષી નાગા પીપલ્સ ફ્રન્ટના પ્રવક્તા અચુમ્બેમ્બો કિકૉને કહ્યું, “વિપક્ષી પાર્ટી હોવાને નાતે અમને વિશ્વાસ છે કે કેન્દ્ર સરકાર નાગાલૅન્ડમાં એ રસ્તો નહીં લે જે જમ્મુ-કાશ્મીરમાં લેવામાં આવ્યો હતો, નહીં તો નાગા લોકોની ભાવનાઓને ઠેસ પહોંચશે અને તેનાં ગંભીર પરિણામ આવશે.”

તેમનું કહેવું છે કે નાગાલૅન્ડ અને જમ્મુ-કાશ્મીરમાં અંતર છે કારણ કે નાગાલૅન્ડને એક સમજૂતી હેઠળ રાજ્ય બનાવવામાં આવ્યું હતું.

જોકે, એ પણ સત્ય છે કે અનુચ્છેદ 371 હેઠળ નાગાલૅન્ડને આપવામાં આવેલા વિશેષ દરજ્જાને કારણે ત્યાંની રાજકીય સમસ્યાનું સમાધાન આવી શક્યું નથી.