મોહર્રમની પૂર્વસંધ્યાએે જમ્મુ કશ્મીરમાં ફરી પ્રતિબંધો

0
22

શ્રીનગર, તા. 9 સપ્ટેમ્બર 2019 સોમવાર

શ્રીનગર સહિત જમ્મુ કશ્મીરના મોટા ભાગના વિસ્તારોમાં રવિવારથી કર્ફ્યૂ જેવી સ્થિતિ લાદી દેવામાં આવી હતી. મંગળવારે મોહર્રમ છે.

સત્તાવાળાઓએ મોહર્રમના તાજિયા કાઢવા પર પ્રતિબંધ લાદ્યો હતો અને તમામ મુસ્લિમ ફિરકાઓને જણાવી દેવામાં આ્વ્યું હતું કે તમારા શોકના રીત રિવાજો ઇમામવાડાઓમાં પૂરા કરી લેજો. સત્તાવાળાઓને એવી શંકા હતી કે વિવિધ ધાર્મિક સમુદાયો તાજિયા નિમિત્તે સડકો પર નીકળે ત્યારે હિંસા ફાટી નીકળવાની શક્યતા છે એટલે તાજિયા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો.

સરકારી અધિકારીએ કહ્યું હતું કે કશ્મીર ખીણ વિસ્તારની શાંતિ અને કાયદો તેમજ વ્યવસ્થા અકબંધ રાખવા આ અગમચેતીનાં પગલાં લેવામાં આવ્યાં હતાં. એક મહિના પહેલાં પાંચમી ઑગસ્ટે જમ્મુ કશ્મીરને ખાસ દરજ્જો આપતી 370મી કલમને કેન્દ્ર સરકારે રદ કરી ત્યારે જે પ્રકારનાં કડક પગલાં લેવાયાં હતાં એવાંજ કડક પગલાં મોહર્રમની પૂર્વસંધ્યાએ લેવામાં આવ્યાં હતાં.

સરકાર કોઇ પ્રકારની ગફલતમાં રહેવા માગતી નથી. સરકારી પ્રવક્તાએ કહ્યું કે માત્ર ઇમર્જન્સીમાં બેરીકેડની સામી બાજુ જવાની પરવાનગી આપવામાં આવશે. એ સિવાય કોઇને પ્રતિબંધમાં છૂટછાટ આપવામાં નહીં આવે.

આમ તો છેલ્લા થોડા દિવસથી પ્રતિબંધોમાં છૂટછાટ અપાઇ હતી. પરંતુ મોહર્રમની પૂર્વસંધ્યાએ અગમચેતીના પગલા રૂપે ફરી એકવાર રવિવારે પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા હતા.