
સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક નામાંકિત કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની તીવ્રતા એટલી ભયાનક હતી કે જોતજોતામાં તેણે આખી કંપનીને લપેટમાં લઈ લીધી હતી પ્રાથમિક અહેવાલો મુજબ, કેમિકલના ડ્રમ્સમાં આગ લાગવાને કારણે કંપનીમાં એક પછી એક 30થી વધુ પ્રચંડ વિસ્ફોટો થયા હતા. આ વિસ્ફોટોનો અવાજ એટલો તીવ્ર હતો કે આસપાસની અન્ય કંપનીઓમાં કામ કરતા શ્રમિકો ભયના માર્યા બહાર દોડી આવ્યા હતા. આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા કિલોમીટરો દૂરથી જોઈ શકાતા હતા.ઘટનાની જાણ થતા જ સુરત ફાયર વિભાગની અનેક ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. કેમિકલ આગ હોવાને કારણે ફાયરના જવાનોએ ફોમ અને પાણીના મારો ચલાવી આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી છે. આસપાસની અન્ય ફેક્ટરીઓમાં આગ ન પ્રસરે તે માટે સાવચેતીના પગલાં રૂપે પાવર સપ્લાય પણ કાપી દેવામાં આવ્યો હતો. રાહતની વાત એ છે કે, અત્યાર સુધીના અહેવાલો મુજબ આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ અથવા કેમિકલ રિએક્શન હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલમાં ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી ચાલુ છે.


