નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાની બીજી લહેર હજુ ટળી નથી. ત્રીજી લહેરનો ખતરો વધ્યો છે. દેશમાં બે દિવસ બાદ ફરીથી કોરોનાના 40 હજારથી વધારે નવા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 41,157 નવા કેસ નોંધાયા હતા અને 518 સંક્રમિતોના મોત થયા હતા. આ પહેલા શનિવારે 38,079 કેસ અને શુક્રવારે 38,949 કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં 42,004 લોકો કોરોનાથી ઠીક થયા છે, એટલે કે એક્ટિવ કેસમાં 1364નો ઘટાડો થયો છે.સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર 17 જુલાઈ સુધી દેશભરમાં 40 કરોડ 49 લાખ 31 હજાર કોરના વેક્સિન ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 51 લાખથી વધારે લોકોને ડોઝ અપાયા હતા. આઈસીએમઆર મુજબ અત્યાર સુધીમાં 44 કરોડ 39 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે 19.36 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરાયા હતા. જેનો પોઝિટિવિટી રેટ 3 ટકાથી ઓછો છે.દેશમાં કોરોનાથી કુલ મૃત્યુ દર 1.23 ટકા છે જ્યારે રિકવરી રેટ અંદાજે 97 ટકાથી વધારે છે. એક્ટિવ કેસનો દર ઘટીને 3 ટકાથી ઓછો થયો છે. કોરોના એક્ટિવ કેસના મામલે ભારત વિશ્વમાં ત્રીજા નંબર પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.હિલ સ્ટેશન અને પ્રવાસન સ્થળોએ લોકોના ટોળા દેખાતા પણ સરકારે ચેતવણી આપી છે. કેન્દ્રએ કહ્યું હતું કે કોઇ પણ પ્રકારની બેદરકારી દાખવવામાં આવી તો કોરોનાના કેસોમાં ફરી વધારો થઇ શકે છે. સ્વાસ્થ્ય સચિવ લવ અગ્રવાલે કહ્યું હતું કે દેશમાં હજુ પણ કોરોનાની બીજી લહેર પુરી નથી થઇ, એવામાં માસ્ક ન પહેરવુ અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરવું જોખમકારક સાબીત થઇ શકે છે. કોઇ પણ પ્રકારની બેદરકારીથી કોરોના વાઇરસ ફેલાવવાનું જોખમ વધી શકે છે. કેટલાક દેશોમાં બેદરકારી બાદ કોરોનાના કેસો વધ્યા હતા. જેમ કે બ્રિટનમાં યૂરો2020 ફૂટબોલ મેચ બાદ કોરોનાના કેસો વધી ગયા હતા. તેવી જ રીતે બાંગ્લાદેશમાં પણ બીજી લહેર બાદ ત્રીજી લહેર આવી અને આ દરમિયાન કોરોનાના કેસોમાં મોટો ઉછાળો આવ્યો હતો. જેને પગલે બાંગ્લાદેશે પુરા દેશમાં લોકડાઉન લાગુ કરવું પડયું હતું.
કોરોના અપડેટ: છેલ્લા 24 કલાકમાં 41,157 નવા કેસ નોંધાયા અને 518 સંક્રમિતોના મોત થયા
Date: