
એસઇએ કેસ્ટર ક્રોપ સર્વે 2024-25 મૂજબ ગુજરાતમાં વર્ષ 2024-25માં એરંડાનું ઉત્પાદન 14.75 લાખ ટન રહેવાનો અંદાજ છે, જે વર્ષ 2023-24ના 15.74 લાખ ટનની તુલનામાં 6 ટકા ઓછું છે. વાવેતર હેઠળનો વિસ્તાર 7.24 લાખ હેક્ટરથી 11 ટકા ઘટીને 6.46 લાખ ટન થવાને કારણે આ ઘટાડો જોવા મળશે, જ્યારેકે પ્રતિ હેક્ટર ઉપજ 5 ટકા વધીને 2,281 કિલો થઇ છે.સોલવન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિયેશન (એસઇએ) દ્વારા ગાંધીનગરમાં આયોજિત ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સમાં કેસ્ટર ક્રોપ સર્વે 2024-25 રજૂ કરાયો હતો. આ સર્વે મૂજબ ઓગસ્ટમાં ભારે વરસાદને કારણે એરંડાના પાક ઉપર પ્રતિકૂળ અસર થઇ છે, જેનાથી ભારતમાં એરંડાના ઉત્પાદનમાં અગ્રેસર વડોદરા, સુરેન્દ્રનગર અને અમદાવાદ જેવાં મુખ્ય જિલ્લાઓમાં પુનઃવાવેતર થયું અને રોપાની સંખ્યામાં ઘટાડો થયો છે.એસઇએના ચેરમેન (વેસ્ટ ઝોન) અને એન.કે. પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર પ્રિયમ પટેલે કહ્યું હતું કે, ગુજરાતમાં એરંડાના ઉત્પાદનમાં અંદાજિત ઘટાડો મુખ્યત્વે એરંડાના વાવેતર વિસ્તારમાં ઘટાડાને આભારી છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ભારે વરસાદ તથા કપાસ અને મગફળી જેવાં બીજા પાક તરફ ઝુકાવને કારણે રાજ્યમાં એરંડાનો વાવેતર વિસ્તાર ઘટ્યો છે. આજની તારીખે અનુકૂળ હવામાનથી ઉપજ વધી છે. જોકે, હવામાનની પરિસ્થિતિને આધારે ભાવિ ઉપજના અંદાજમાં સુધારો થઇ શકે છે.રાજસ્થાનમાં ઉત્પાદન 9 ટકા ઘટીને 2.85 લાખ ટન તથા વાવેતર વિસ્તાર 12 ટકા ઘટીને 1.70 લાખ હેક્ટર થવાનો અંદાજ છે. આન્ધ્ર પ્રદેશ અને તેલંગાણામાં ઉત્પાદન 0.54 લાખ ટન થવાની સંભાવના છે. વાવેતર વિસ્તાર 38 ટકા ઘટવાને કારણે ઉત્પાદન 33 ઘટી શકે છે.ભારતમાં વર્ષ 2024-25માં એરંડાનું કુલ ઉત્પાદન 18.22 લાખ ટન થવાનો અંદાજ છે, જે ગત વર્ષના 19.75 લાખ ટનની સરખામણીમાં 8 ટકા ઓછું છે. કુલ વાવેતર હેઠળનો વિસ્તાર 9.88 લાખ હેક્ટરથી 12 ટકા ઘટીને 8.68 લાખ હેક્ટર થવાની સંભાવના છે. જોકે, ઉપજ પ્રતિ હેક્ટર 1,999 કિલોથી 5 ટકા વધીને 2,101 હેક્ટર થશે.