નવી દિલ્હી : ઉનાળાની ઋણમાં ભયંકર ગરમી અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ વધતા દેશમાં જૂન મહિના દરમિયાન વિજળીનો વપરાશ વાર્ષિક ધોરણે ૧૭.૨ ટકા વધીને ૧૩૪.૧૩ અબજ યુનિટ નોંધાયો છે.વિજ મંત્રાલયના આંકડા અનુસાર ગત વર્ષે જૂન મહિનામાં ૧૧૪.૪૮ અબજ યુનિટ વિજળીનો વપરાશ થયો હતો, જે વર્ષ ૨૦૨૦ના સમાન મહિનાના ૧૦૫.૦૮ અબજ યુનિટ કરતાં વધારે છે. ઉપરાંત પીક પાવર ડિમાન્ડ એટલે કે એક દિવસમાં સૌથી વધુ સપ્લાય પણ ઉંચી રહી છે, જે ૮ જૂનના રોજ ૨૦૯.૮૦ ગીગાવોટની સર્વકાલીન ઊંચી સપાટીએ નોંધાઇ હતી. જૂન ૨૦૨૧માં સૌથી વધુ વીજ સપ્લાય ૧૯૧.૨૪ ગીગાવોટ અને જૂન ૨૦૨૦માં ૧૬૪.૯૮ ગીગાવોટ નોંધાઇ હતી.કોરોના વાયરસની પ્રથમ લહેરમાં મહામારીનું સંક્રમણ ફેલાતુ રોકવા માટે લોકડાઉન લાદવાના કારણે જૂન ૨૦૨૦માં વીજ વપરાશ અને માંગને અસર થઈ હતી. મહામારી પૂર્વે જૂન ૨૦૧૯માં વીજ વપરાશ ૧૧૭.૯૮ અબજ યુનિટ હતુ.નિષ્ણાંતોના મતે, દેશમાં વિજળીની વાણિજ્યિક અને ઔદ્યોગિક જરૂરિયાતોને આગળ ધપાવતા, તીવ્ર ગરમી અને આર્થિક પ્રવૃત્તિઓમાં તેજીને કારણે વીજ વપરાશ અને માંગમાં વધારો થયો છે.