
ભારતીય રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન (આઇઆરએફસી), કે જે રેલ્વે મંત્રાલય હેઠળની એક મહત્વપૂર્ણ નાણાકીય સંસ્થા છે, તેને ભારત સરકાર દ્વારા પ્રતિષ્ઠિત નવરત્ન દરજ્જો આપવામાં આવ્યો છે. આ માન્યતા આઇઆરએફસી માટે એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ છે, કારણ કે તે કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉદ્યોગ (સીપીએસઈ) તરીકે ભારતીય રેલ્વેના પાયાંને મજબૂત બનાવવાનું મહત્વનું કામ કરી રહ્યું છે.આઇઆરએફસીની સ્થાપના 12 ડિસેમ્બર, 1986ના રોજ 100% સરકારી માલિકીની સંસ્થા તરીકે કરવામાં આવી હતી, અને ત્યારથી તેણે ભારતીય રેલ્વેના વિસ્તરણ અને આધુનિકીકરણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. વર્ષોથી આ સંસ્થા નાણાકીય ક્ષેત્રમાં એક મુખ્ય ખેલાડી તરીકે ઉભરી છે. 1993માં તેને કંપનીઝ એક્ટ હેઠળ પબ્લિક ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશન તરીકે નોંધણી મળી, 1998માં એનબીએફસી તરીકે આરબીઆઇ દ્વારા માન્યતા, અને 2010માં એનબીએફસી -ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપની (એનબીએફસી-આઇ એફ સી) તરીકે નોંધણી મળી. 2018માં આઇઆરએફસીને મિનિ-રત્ન કેટેગરી-I નો દરજ્જો આપવામાં આવ્યો હતો. જાન્યુઆરી 2021માં કંપની શેરબજારમાં લિસ્ટ થઇ અને તેનો આઇપીઓ ભાવ રૂ. 26 હતો, જે હવે રૂ. 140 સુધી પહોંચી ગયો છે.આર્થિક રીતે આઇઆરએફસી નો વિકાસ નોંધપાત્ર રહ્યો છે. 31 માર્ચ, 2024ના રોજ કંપનીની કુલ આવક રૂ. 26,600 કરોડથી વધુ હતી અને રૂ. 6,400 કરોડથી વધુ નફો નોંધાયો હતો. આ સાથે,આઇઆરએફસી ભારતની ત્રીજી સૌથી મોટી સરકારી એનબીએફસી બની છે. કંપનીએ ભારતીય રેલ્વે માટે લગભગ 80% રોલિંગ સ્ટોક માટે નાણાં પ્રદાન કર્યા છે અને તે વિદેશી બજારમાં 30 વર્ષની મુદતવાળા બોન્ડ ઈશ્યૂ કરનાર પ્રથમ સીપીએસઈ બની છે. ડિસેમ્બર 2024 સુધી આઇઆરએફસી ની બજાર મૂલ્યક્ષમતા (માર્કેટ કેપ) રૂ. 2,00,000 કરોડથી વધુ, એયુએમ (એસેટ અંડર મેનેજમેન્ટ) રૂ. 4.61 લાખ કરોડ, નેટ વર્થ રૂ. 52,000 કરોડ, અને કુલ બેલેન્સ શીટ રૂ. 4.81 લાખ કરોડ હતી.આ પ્રસંગે આઇઆરએફસીના સીએમડી અને સીઈઓ મનોજ કુમાર દુબેે જણાવ્યું હતું કે, “આઇઆરએફસી માટે નવરત્ન દરજ્જો મેળવવું એ અમારી નાણાકીય શક્તિ અને ભારતની રેલ્વે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાના અમારાં પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે. આ માન્યતા અમને વધુ પ્રોત્સાહિત કરશે કે અમે આપણા નાણાંકીય ઉકેલો અને ક્ષમતાઓને વધુ વિસ્તૃત કરી શકીએ અને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકીએ.”આઇઆરએફસીએ તેના મુખ્ય કાર્યક્ષેત્ર રેલ્વે ફાઇનાન્સિંગ સિવાય અન્ય નાણાકીય વિસ્તારોમાં પણ પ્રવેશ શરૂ કર્યો છે, જેમાં વીજ ઉત્પાદન અને વિતરણ, માઇનિંગ, ઇંધણ, કોલ, વેરહાઉસિંગ, ટેલિકોમ અને હૉસ્પિટાલિટી જેવા સેક્ટરોનો સમાવેશ થાય છે. કંપનીએ એનટીપીસી માટે 20 બીઓબીઆર રેક્સ માટે રૂ. 700 કરોડની ફાઇનાન્સિંગ મેળવી છે અને પત્રાતુ વિદ્યૂત ઉત્પાદન નિગમ લિમિટેડ માટે રૂ. 3,190 કરોડનું લોન ફાઇનાન્સિંગ માટે સૌથી ઓછી કિમંતની બિડ આપી છે. ઉપરાંત,એનટીપીસી રિન્યુએબલ એનર્જી લિમિટેડ દ્વારા રૂ. 7,500 કરોડની રૂપી ટર્મ લોન ફાઇનાન્સિંગ માટે આઇઆરએફસીની ઓફર મંજૂર કરવામાં આવી છે.આઇઆરએફસી સતત નવી તકો શોધી રહ્યું છે, જેમાં રેલવે રોલિંગ સ્ટોક, મેટ્રો રેલ પ્રોજેક્ટ્સ, પોર્ટ-રેલ કનેક્ટિવિટી અને ભારતીય રેલ્વે દ્વારા મંજૂર થયેલ પીપીપી પ્રોજેક્ટ્સ માટે નાણાંકીય સપોર્ટ આપવાનું આયોજન છે. આ સંદર્ભમાં, દુબેએ ઉમેર્યું કે, “અમે ભવિષ્યમાં વધુ મહત્ત્વના કેપિટલ ઇન્ટેન્સિવ રેલવે પ્રોજેક્ટ્સ માટે સૌથી અસરકારક નાણાંકીય ઉકેલ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ. આજે સમગ્ર રેલવે ઈકોસિસ્ટમ ભારતીય વસ્તીની માલસામાન અને મુસાફરીની જરૂરિયાતો પૂરી કરવા માટે મહત્ત્વના કેપેક્સ વધારો કરી રહ્યું છે. ભારત જ્યારે અમૃત કાલ દરમિયાન $10 ટ્રિલિયન અર્થતંત્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આઇઆરએફસી દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે એક મુખ્ય ભૂમિકા ભજવશે.”આઇઆરએફસી તેની નાણાકીય શક્તિ અને વ્યૂહાત્મક દ્રષ્ટિ સાથે ભારતની રેલ્વે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે એક અગ્રણી નાણાકીય પાયો તરીકે કાર્ય કરી રહ્યું છે, જે દીર્ઘકાળીન વૃદ્ધિ અને રોકાણકારો માટે મૂલ્યવર્ધન સુનિશ્ચિત કરે છે.