આજથી સંસદનું ચોમાસું સત્ર શરૂ થઈ ગયું છે. લોકસભામાં ગૃહની કાર્યવાહી શરૂ થયા બાદ નવા સભ્યોને શપથ લેવડાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ જેવા જ મોદી નવા મંત્રીઓનો પરિચય આપવા માટે ઊભા થયા હતા, ત્યારે વિપક્ષે હોબાળો મચાવવાનું શરૂ કરી દીધું હતું. વિપક્ષના હોબાળા વચ્ચે મોદીએ નવા મંત્રીઓનો પરિચય આપ્યો હતો. તે પછી જે સભ્યોની નિધન થયું હતું, તેની વિગતો લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આપી હતી. સત્ર શરૂ થતાં જ સંસદમાં વિપક્ષનો ભારે હોબાળો થતાં રાજ્યસભાની કાર્યવાહી 12:24 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ ગયું છે. આ પહેલાં સંસદ પરિસરમાં મીડિયા સાથે ચર્ચા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદો સાથે શાંતિ વ્યવસ્થા બનાવી રાખવા અપીલ કરી હતી. તેમણે કહ્યું, ‘હું તમામ સાંસદોને વિનંતી કરું છું કે તેઓ સતત પ્રશ્નો પૂછે, વારંવાર સવાલો પૂછે, પરંતુ શાંત વાતાવરણ જાળવી રાખે. સરકારને પણ જવાબ આપવા માટે પૂરતી તક આપે. વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે સરકાર દેશના લોકો જે જવાબ ઇચ્છે છે એનો જવાબ આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. અંદરની વ્યવસ્થા પહેલાંની જેવી નથી. દરેક જણ સાથે મળીને બેસીને કામ કરશે, કેમ કે લગભગ દરેકનું વેક્સિનેશન થઈ ગયું છે. સંસદના ચોમાસુ સત્રમાં 2 નાણાકીય સહિત કુલ 31 બિલ રજૂ કરવામાં આવી શકે છે. આ સત્ર 13 ઓગસ્ટ સુધી ચાલવાનું છે.સંસદના ચોમાસુ સત્રની શરૂઆત પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયાને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે વિપક્ષ તીખામાં તીખા સવાલ પૂછે, પરંતુ સરકારને જવાબ આપવા માટેની તક પણ આપે, જેથી દેશની જનતા સુધી સરકારનો અવાજ પહોંચે.વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે હું આશા કરું છું કે દરેકે વેક્સિનનો એક ડોઝ લઈ લીધો હશે, તમામ સાંસદો અને અન્ય લોકો કોરોના પ્રોટોકોલનું પાલન કરે. વેક્સિન લાગ્યા પછી તમે બાહુબલી બની જાઓ છો. અત્યારસુધીમાં 40 કરોડથી વધુ લોકો કોરોના સામેની લડાઈમાં બાહુબલી બની ગયા છે.સંસદના ચોમાસા સત્રમાં આ વખતે સરકાર અને વિપક્ષ વચ્ચે ઉગ્ર લડાઇ થવાની સંભાવના છે. સત્રની શરૂઆત પહેલાં જ એક એવો મુદ્દો સામે આવ્યો છે, જેને બધાને હચમચાવી નાખ્યા છે. આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે Pegasus સોફ્ટવેરનો ઉપયોગ કરીને ભારતમાં ઘણા પત્રકારો, રાજકારણીઓ અને અન્ય લોકોના ફોન હેક કરવામાં આવ્યા હતા. આ ઘટસ્ફોટ અંગે સોમવારે સંસદમાં હંગામો થવાની સંભાવના છે.કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને સરકાર પર કટાક્ષ કર્યા છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે આપણે જાણીએ છીએ કે ‘તેઓ’ શું વાંચે છે, જે પણ તમારા ફોનમાં છે. વિપક્ષના આકરા વલણથી સ્પષ્ટ છે કે સરકારને આ મુદ્દે સંસદમાં પ્રશ્નોનો સામનો કરવો પડી શકે છે.
સંસદનું ચોમાસું: સત્ર શરૂ થતાં જ સંસદમાં વિપક્ષનો ભારે હોબાળો; રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત
Date: