નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ ઉત્તર પ્રદેશના પ્રવાસે છે. પીએમ મોદીના આ પ્રવાસ સાથે બે ખાસ વાતો જોડાયેલી છે. એક તો એ કે જલદી યુપીમાં વિધાનસભા ચૂંટણી થવા જઈ રહી છે અને બીજી છે ત્રણ કૃષિ કાયદાની વાપસીની જાહેરાત બાદ પીએમ મોદીનો આ પહેલો યુપી પ્રવાસ હશે. પ્રધાનમંત્રીના પ્રવાસ પહેલા રાજનીતક ગઠબંધનનો ખેલ પણ શરૂ થઈ ગયો છે. પ્રધાનમંત્રી મોદી આજે પશ્ચિમ યુપીમાં નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનો શિલાન્યાસ કરશે. આ ઉપરાંત એક મોટી જનસભાને પણ સંબોધન કરશે.
આ છે કાર્યક્રમ
આજે સવારે 11.20 વાગે પીએમ મોદી દિલ્હીથી જેવર માટે હેલિકોપ્ટરથી રવાના થશે. 11.50 વાગે પીએમ મોદી જેવર હેલિપેડ પહોંચશે. બપોરે 12 વાગે તેઓ કાર્યક્રમ સ્થળે પહોંચશે. 12થી 1 વાગ્યાની વચ્ચે પીએમ મોદી નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનો શિલાન્યાસ કરશે અને જનસભાને પણ સંબોધશે. બપોરે 1.10 વાગે વાપસી માટે જેવર હેલિપેડ પહોંચશે. ત્યારબાદ સવા વાગે પીએમ મોદી જેવરથી દિલ્હી માટે રવાના થશે. આ એરપોર્ટ યુપીનું પાંચમા નંબરનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હશે. દેશમાં હાલ તમિલનાડુ અને કેરળ જ એવા રાજ્યો છે જ્યાં 4-4 આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે. એટલે કે આવનારા સમયમાં યુપી સૌથી વધુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ધરાવતું રાજ્ય બનશે. રાજ્યમાં 2012 સુધીમાં ફક્ત બે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હતા. 20 ઓક્ટોબરે પીએમ મોદી દ્વારા ઉદ્ધાટન કરાયા બાદ કુશીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ શરૂ થયું જ્યારે અયોધ્યામાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બની રહ્યું છે જ્યાં આગામી વર્ષ સુધીમાં સેવાઓ શરૂ થઈ જશે. નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ ભારત અને એશિયાનું સૌથી મોટું એરપોર્ટ અને દુનિયાનું ચોથું સૌથી મોટું એરપોર્ટ હશે.
કોણ બનાવશે આ એરપોર્ટ
Noida International Airport ના નિર્માણ માટે યમુના એક્સપ્રેસ વે ઔદ્યોગિક વિકાસ પ્રાધિકરણ (YEIDA) ને વર્કિંગ એજન્સી તરીકે નિયુક્ત કરાઈ છે અને વિક્સિત કરવાની જવાબદારી ઝ્યુરિક એરપોર્ટ ઈન્ટરનેશનલ એજીને સોંપવામાં આવી છે.
જેવર એરપોર્ટ બનાવવામાં કેટલા રૂપિયા થશે ખર્ચ?
હવે જ્યારે આટલું ભવ્ય એરપોર્ટ બનવા જઈ રહ્યું છે તે સ્પષ્ટ છે કે તેના પર પૈસા પણ ખુબ ખર્ચ થશે. તેના નિર્માણ માટે ઉત્તર પ્રદેશસરકારે ફેબ્રુઆરી 2021માં 2000 કરોડ રૂપિયાના બજેટની જાહેરાત કરી હતી. તેને પૂરું કરવામાં લગભગ 29 હજાર 650 કરોડ રૂપિયાનો ખર્ચો થઈ શકે છે. જેવર એરપોર્ટનું નિર્માણ 5845 હેક્ટર જમીન પર થઈ રહ્યું છે. અહીંથી એક સાથે ઓછામાં ઓછી 178 ફ્લાઈટ ઉડાણ ભરી શકશે. જો કે પહેલા તબક્કામાં તેનું નિર્માણ 1334 હેક્ટર જમીન પર થશે . નિર્માણ કાર્ય ચાર તબક્કામાં પૂરું થશે.
કેટલા હશે રનવે?
મળતી માહિતી મુજબ જેવર એરપોર્ટ પર કુલ 5 રનવે હશે અને શરૂઆતમાં અહીંથી લગભગ વાર્ષિક 1 કરોડ 20 લાખ મુસાફરો હવાઈ મુસાફરી કરી શકશે. પહેલા વર્ષે 40 લાખ મુસાફરોની અવરજવર રહેવાનો અંદાજ છે.