Technology: દર મહિને 300 મિલિયન એક્ટિવ યૂઝર્સ સુધી પહોંચવાનો Truecallerનો રેકોર્ડ

0
24
ટ્રૂકોલર એપ્લિકેશનને 11 વર્ષ પહેલાં લોન્ચ કરવામાં આવી હતી
ટ્રૂકોલર એપ્લિકેશનને 11 વર્ષ પહેલાં લોન્ચ કરવામાં આવી હતી

મુંબઈ: કોલરની ઓળખ આપતી એપ્લિકેશન ટ્રૂકોલરમાં યtઝર્સની સંખ્યામાં સતત વધારો થયો છે. અત્યારે માસિક સક્રિય યૂઝર્સની સંખ્યા 300 મિલિયન જેટલી થઈ ગઈ હોવાનો દાવો ટ્રૂકોલર દ્વારા થયો છે. જેમાંથી 220 મિલિયન યૂઝર્સ ભારતના છે. છેલ્લા એક વર્ષમાં ટ્રૂકોલરના યૂઝર્સની સંખ્યમાં જબ્બર ઉછાળો જોવા મળ્યો છે. એક વર્ષ પહેલાં ટ્રૂકોલરના સક્રિય યૂઝર્સ 250 મિલિયન હતા અને 1 વર્ષમાં જ 50 મિલિયન યૂઝર્સ ઉમેરાયા છે.

ઉલ્લેખનીય છે કે, ટ્રૂકોલર એપ્લિકેશનને 11 વર્ષ પહેલાં લોન્ચ કરવામાં આવી હતી. એલન મામેડી અને નામી ઝરિંગહાલમ દ્વારા તેની સ્થાપના થઇ હતી. ટ્રૂકોલરે શરૂઆતમાં તેના યૂઝર્સને કોલ આઇડેન્ટિફિકેશન અને સ્પામ બ્લોકિંગ ફીચર્સ ઓફર કર્યા હતા, પરંતુ ત્યારબાદ સ્માર્ટ SMS, ઈનબોક્સ ક્લીનર, ફુલ-સ્ક્રીન કોલર આઇડી, ગ્રુપ વોઇસ કોલિંગ અને અન્ય અનેક સુવિધાઓ આપવાનું શરૂ કર્યું હતું. આ એપ્લિકેશન આંતરરાષ્ટ્રીય સ્તરે ઉપલબ્ધ છે પણ અત્યારે ટ્રૂકોલરનું સૌથી મોટું માર્કેટ ભારત છે.

ટ્રૂકોલરે 22 નવેમ્બરના રોજ 300 મિલિયન એક્ટિવ યૂઝર્સ હોવાનો ઇતિહાસ રચી દીધો હતો. ટ્રૂકોલરમાં યૂઝર્સનો વિશ્વાસ વધ્યો છે. ટ્રૂકોલર દ્વારા કોરોના કાળમાં કોવિડ હોસ્પિટલ, ટેસ્ટ સેન્ટરની જાણકારી લોકો સુધી પહોંચાડવામાં આવી હતી. ટ્રૂકોલરના કારણે ઓનલાઇન છેતરપીંડી રોકી શકાય છે. તે લોકો સાથે છેતરપીંડી કરનાર લોકોની જાણકારી પૂરી પાડે છે.

ટ્રૂકોલરના સીઈઓ અને સહ-સ્થાપક એલન મામેડી ટ્રૂકોલરે મેળવેલી સફળતા બાબતે કહે છે કે, અમે નાની શરૂઆત કરી હતી. પરંતુ ટ્રૂકોલર માટે હંમેશાં મોટી મહત્વાકાંક્ષાઓ હતી. 300 મિલિયન સક્રિય યૂઝર્સ સુધી પહોંચવું એ ટ્રૂકોલરને અદ્ભુત પ્લેટફોર્મ બનાવવા માટે સખત મહેનત કરનાર લોકો માટે માઇલસ્ટોન છે. છેલ્લા એક દાયકામાં અમે ટ્રુકોલરને મહત્વની સર્વિસ બનાવવા માટે સખત મહેનત કરી છે. આ સેવાનો ઉપયોગ ઘણા લોકો કરે છે અને લાખો યૂઝર્સે અમારા પ્લેટફોર્મ પર મૂકેલા વિશ્વાસથી હું ગર્વ અનુભવું છું.