ચંદીગઢ : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના વડપણ હેઠળની, તમામ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિ ધરાવતી જીએસટી કાઉન્સિલની 47મી બેઠકમાં પ્રી-પેક્ડ, લેબલ્ડ અનાજ-કઠોળ, દહીં, પનીર, મધ, મીટ અને ફિશ જેવી ફૂડ આઇટમ્સને અપાયેલી કરમુક્તિ ખતમ કરીને 5% જીએસટી લગાવવાનો નિર્ણય લેવાયો છે. બેન્કો દ્વારા ચેક/ચેકબુક ઇશ્યુ કરવા માટે જે ફી ચાર્જ કરવામાં આવે છે તેના પર પણ અધધ 18% જીએસટી લાગુ થશે.બે દિવસની આ બેઠકના પ્રથમ દિવસે પેક્ડ-લેબલ્ડ ફૂડ આઇટમ્સની કરમુક્તિની સમીક્ષા કરવાની ગ્રૂપ ઑફ મિનિસ્ટર્સની ભલામણ સ્વીકારવામાં આવતા પ્રી-પેક્ડ, લેબલ્ડ દહીં, પનીર, મધ, ફિશ, મીટ, અનાજ-કઠોળ, મખાના, મમરા, ગોળ, તમામ ગૂડ્સ, કાર્બનિક ખાતર અને કોયર પીથને હવે જીએસટીથી મુક્તિ નહીં અપાય. આ બધી વસ્તુઓ પર 5% જીએસટી લાગશે.તે જ રીતે બેન્કો દ્વારા ચેક/ચેકબુક ઇશ્યુ કરવા માટે ચાર્જ કરાતી ફી પર 18%, એટલાસ સહિતના મેપ-ચાર્ટ પર 12% જીએસટી લાગશે. રોજના 1,000 રૂ.થી ઓછા ભાડાંવાળા હોટેલ રૂમ્સ પર પણ 12% જીએસટી લાગશે. આવા હોટેલ રૂમ્સ અત્યાર સુધી કરમુક્ત હતા. રાજ્યોને સોનુ, સોનાના દાગીના તથા કિમતી રત્નો-નંગોના આંતરરાજ્ય પરિવહન માટે ઇ-વૅ બિલ જારી કરવા પણ મંજૂરી અપાઇ છે. દરમિયાન, અનપેક્ડ, અનલેબલ્ડ અને અનબ્રાન્ડેડ ગૂડ્સ જીએસટીથી મુક્ત જ રહેશે.