
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ વેજિટિવ સ્ટેટ (PVS)માં રહેલા 32 વર્ષીય વ્યક્તિને નિષ્ક્રિય ઈચ્છામૃત્યુની મંજૂરી આપી છે.
જસ્ટીસ જે.બી.પારડીવાલા અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે જણાવ્યું હતું કે આ 2018ના કોમન કોઝ ચુકાદાનું પ્રથમ ન્યાયિક અમલીકરણ છે, જે ગૌરવ સાથે મૃત્યુ પામવાના અધિકારને માન્યતા આપે છે.
15 જાન્યુઆરીના રોજ, સુપ્રીમ કોર્ટે 32 વર્ષીય હરીશ રાણાના પરિવાર દ્વારા દાખલ કરાયેલી અરજી પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો, જેમાં લગભગ 13 વર્ષ સુધી વેજિટિવ સ્ટેટમાં રહ્યા બાદ લાઇફ સપોર્ટ હટાવવાની માંગ કરવામાં આવી હતી. વેજિટિવ સ્ટેટમાં રહેલો વ્યક્તિ જાગતો દેખાય છે, જ્યારે કોમામાં ચેતના અને જાગૃતિના અભાવની સ્થિતિ હોય છે.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરતા એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટી અને રાણાના પરિવારનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ રશ્મિ નંદકુમારની દલીલો સાંભળી હતી. 13 જાન્યુઆરીના રોજ, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ રાણાના માતાપિતા અને તેના નાના ભાઈ સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. પરિવારે ન્યાયાધીશોને કહ્યું કે તેઓ ઇચ્છતા નથી કે તેને વધુ તકલીફ પડે.
2013માં, પંજાબ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હરીશ તેના PGના ચોથા માળેથી પડી ગયો હતો અને તેના માથામાં ઇજા થઇ હતી. ત્યારથી, તે સંપૂર્ણપણે પથારીવશ છે અને આર્ટિફિશિયલ સપોર્ટ સિસ્ટમ પર છે. આટલા વર્ષોમાં આ બીજી વખત છે જ્યારે તેના માતા પિતાએ હરીશ માટે નિષ્ક્રિય ઇચ્છામૃત્યુની માંગણી માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હોય.
ગયા વર્ષે નવેમ્બરમાં, સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના એક અહેવાલની નોંધ લીધી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે ઉત્તર પ્રદેશ સરકારની સહાય અને ડોકટરો અને ફિઝિયોથેરાપિસ્ટની નિયમિત મુલાકાતો સાથે હરીશને ઘરે સંભાળ હેઠળ રાખવામાં આવશે.


