નવી દિલ્હી: કેન્દ્ર સરકારે કોવિશીલ્ડ અને કોવેક્સિનના 66 કરોડથી વધુ ડૉઝનો ઓર્ડર આપ્યો છે. આ સરકારનો અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર છે. આ ડૉઝ ચાલુ વર્ષે ઓગસ્ટથી ડિસેમ્બર વચ્ચે સરકારને મળી જશે. મોટી વાત એ છે કે આ ડૉઝ સુધારેલી કિંમતે મળશે. તેમાં કોવિશીલ્ડ 205 અને કોવેક્સિન 215 રૂપિયા(ટેક્સ વિના)માં પડશે. ટેક્સ સહિત કોવિશીલ્ડનો એક ડૉઝ 215.25 રૂપિયાનોહ શે. જોકે કોવેક્સિનનો એક ડૉઝ 225.75 રૂપિયાનો પડશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અત્યાર સુધી બંને ડૉઝ 150 રૂપિયા પ્રતિ ડૉઝના ભાવે ખરીદી રહ્યું હતું.હવે 14,505 કરોડ રૂપિયાના નવા ઓર્ડરથી એ રાજ્યોને રાહત મળશે જે વેક્સિનની અછતની ફરિયાદો કરી રહ્યાં છે. વેક્સિનની અછતને કારણે આ રાજ્યોમાં અનેક વેક્સિનેશન કેન્દ્રો બંધ કરવાની ફરજ પડી હતી. અનેક જગ્યાએ લાંબી લાઈનો જોવા મળી રહી છે. સૂત્રો મુજબ ડિસેમ્બર સુધીમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાથી 37.5 કરોડ અને ભારત બાયોટેક તરફથી 28.5 કરોડ ડૉઝ ખરીદવામાં આવશે.કેન્દ્ર સરકારે 26 જૂને સુપ્રીમકોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે ઓગસ્ટથી ડિસેમ્બર વચ્ચે 135 કરોડ ડૉઝ ઉપલબ્ધ થશે. કેન્દ્રે હૈદરાબાદની બાયોલોજિકલ ઈ-કંપનીને પણ કોર્બવેક્સ વેક્સિન માટે 30 કરોડ રૂપિયાની અગ્રિમ ચૂકવણી કરી છે. આ રીતે બધું મિલાવીને કુલ ઓગસ્ટથી ડિસેમ્બર વચ્ચે 96 કરોડ ડૉઝ ઉપલબ્ધ થવાનું અનુમાન છે.આંકડા જણાવે છે કે સરકારે 17 જુલાઈ સુધી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને બંને વેક્સિનના 41.69 કરોડ ડૉઝ ઉપલબ્ધ કરાવ્યા હતા. જોકે 2.74 કરોડ ડૉઝ ઉપલબ્ધ થવાના છે. નવા ઓર્ડર હેઠળ સરકારે કોવિશીલ્ડના 37.5 કરોડ ડૉઝ માટે 8071 કરોડ અને કોવેક્સિનના 28.5 કરોડ ડૉઝ માટે 6433 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. જો જૂના ભાવે વેક્સિન ખરીદવામાં આવી હોત તો આ રકમ 9900 કરોડ રૂપિયા થઈ હોત. સરકારને 4605 કરોડ રૂપિયા વધુ ચૂકવવા પડી રહ્યાં છે.