વડોદરા : વડોદરા જિલ્લાના વાઘોડિયા બેઠકના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ધારાસભ્ય પદ અને ભાજપમાંથી રાજીનામું આપી દીધુ છે. મધુ શ્રી વાસ્તવ 6 ટર્મથી ધારાસભ્ય હતા. મધુ શ્રીવાસ્તવની છાપ દબંગ અને બાહુબલી નેતા તરીકેની છે. મધુ શ્રીવાસ્તવે વડોદરા કાર્યકર્તા સંમેલનમાં જાહેરાત કરી છે. ટિકીટ ન મળતા તેઓ પાર્ટીથી નારાજ હતા. હવે તેઓ અપક્ષમાંથી ચૂંટણી લડશે. રાજીનામાં બાદ મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, મને ટિકિટ ન મળતા કાર્યકરો નારાજ થયા હતા અને તેમણે જ મને રાજીનામુ આપવા કહ્યું હતુ. જેના કારણે મે ભાજપને રામ-રામ કરી દીધા છે. આ સાથે તેમણે કહ્યું કે, મેં મારી રાજકીય કારકિર્દીમાં એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો નથી. તેમજ મધુ શ્રીવાસ્તવે અત્યાર સુધી ત્તક આપવા માટે ભાજપનો આભાર પણ માન્યો છે.મધુ શ્રીવાસ્તવની ટીકીટ કપાતા તેમના પરિવારમાં ભારે રોષ જોવા મળ્યો. મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાતા તેમની દીકરીએ રોષ વ્યક્ત કર્યો. મધુ શ્રીવાસ્તવના પુત્રી અને ભાજપ નેતા નીલમ શ્રીવાસ્તવે કહ્યું કે, મારા પિતાની ટિકિટ કાપી ભાજપે અપમાન કર્યું છે. મારા પિતા અપક્ષ ચૂંટણી લડશે અને જીતશે. તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 20 ઉમેદવારોમાંથી મારા પિતાએ 18 ઉમેદવાર જીતાડ્યા છે. અશ્વિન પટેલ જિલ્લા પંચાયતની ચૂંટણી નહિ જીતી શક્યા તો વિધાનસભા કેવી રીતે જીતશે. વડોદરાની વાઘોડિયા સીટ પરથી મધુ શ્રીવાસ્તવની જગ્યાએ જિલ્લા પ્રમુખને ટિકિટ અપાઈ છે. દરમિયાન તેમણે જણાવ્યું કે, તેઓ અપક્ષમાંથી ઉમેવારી નોંધાવશે કે નહીં તે અંગે કાર્યકરો જેમ કહેશે તેમ કરીશ. ઉલ્લેખનિય છે કે, મધુ શ્રીવાસ્તવ વડોદરામાં દબંગ ધારાસભ્યની છાપ ધરાવે છે. તેઓ અવાર-નવાર વિવાદિત ટિપ્પણીઓ કરી ચર્ચામાં આવતા રહે છે. ટિકિટ કપાતા જ મધુ શ્રીવાસ્તવ નિરાશ થયા છે. તેમણે કહ્યું કે વર્ષોથી પાર્ટી માટે કામ કર્યું પણ કદર ન કરી, હવે હું અપક્ષમાંથી ચૂંટણી લડીશ.