યાસ ચક્રવાતથી પ્રભાવિત પ્રદેશોની સહાયતા કરવા માટે નેવીનું INS જહાજ ચિક્કામાં રાહત સામગ્રી લઇને ઓડિશાના ખોરદા જિલ્લામાં પહોંચ્યું.
યાસ ચક્રવાત ઓડિશાના ભદ્રક જિલ્લામાં ત્રાટક્યો છે. અહીંયા 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. હવામાન વિભાગેપણ આ વાતની પુષ્ટી કરી છે. IMDના જણાવ્યા અનુસાર સવારે 9 વાગ્યાથી ચક્રવાતી વાવાઝોડું ફૂંકાવવાનું શરૂ થયું હતું. બંગાળ અને ઓડિશાના મોટાભાગના જિલ્લાઓમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ઓડિશાના ચાંદિપુર અને બાલાસોર જિલ્લામાં વાવાઝોડા સાથે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. પશ્ચિમ બંગાળના કોલકાતા અને દક્ષિણ 24 પરગણામાં વાવાઝોડું આવ્યું છે, તથા મુશળધાર વરસાદ પણ વરસી રહ્યો છે.યાસ ચક્રવાત બપોરના સમયે ઓડિશાના પારાદીપ અને સાગર આઇલેન્ડ વચ્ચેથી પસાર થશે. ચક્રવાતે કારણે બિહાર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, તમિલનાડુ અને કર્નાટકમાં ભારે વરસાદની આગાહી સાથે એલર્ટ પણ કરવામાં આવ્યા છે. ઓડિશા અને બંગાળના મોટાભાગના પ્રદેશોમાં મંગળવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં આપત્તિ રાહત ટીમો તૈનાત છે. એરફોર્સ અને નેવીએ તેમના કેટલાક હેલિકોપ્ટર અને બોટને પણ રાહત કાર્ય માટે તૈયાર રાખી છે. તોફાનને કારણે ઓડિશાના છ જિલ્લાઓને ઉચ્ચ જોખમ ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યા છે. આમાં બાલાસોર, ભદ્રક, કેન્દ્રપરા, જગતસિંગપુર, મયુરભંજ અને કેઓંઝારનો સમાવેશ થાય છે.