ગૃહમંત્રી અમિત શાહે અદાણી હિંડનબર્ગ એપિસોડ પછી વિપક્ષના આરોપો પર કહ્યું છે કે, છુપાવવા અથવા ડરવા જેવું કંઈ નથી. કોંગ્રેસે સરકાર પર અદાણી જૂથની તરફેણ કરવાનો આરોપ લગાવ્યા બાદ ગૃહમંત્રીએ આ ‘પ્રતિક્રિયા’ આપી છે. ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં તેમણે કહ્યું છે કે, ન તો સરકાર કે ભાજપ પાસે છુપાવવા જેવું કંઈ છે અને ન તો ડરવાની કોઈ જરૂર છે.
નોંધનીય છે કે, હિંડનબર્ગ રિસર્ચના એક રિપોર્ટમાં અદાણી ગ્રૂપના સંબંધમાં સ્ટોક મેનિપ્યુલેશન અને નાણાકીય છેતરપિંડીનો દાવો કરવામાં આવ્યો હતો. આ અહેવાલ બાદ અદાણી ગ્રુપના શેરમાં મોટો ઘટાડો નોંધાયો છે. અહેવાલ પછી અદાણી જૂથના વડા ગૌતમ અદાણી, જે ગયા મહિને 24 જાન્યુઆરી સુધી વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ હતા, તેમની સંપત્તિમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો, તેઓ વિશ્વના અમીરોની ટોચની 10 યાદીમાંથી બહાર થઈ ગયા હતા.
જ્યારે ગૃહમંત્રીને પૂછવામાં આવ્યું કે કોંગ્રેસ તમારી પાર્ટી ભાજપ પર અદાણી સાથે મિત્રતા હોવાનો આરોપ લગાવી રહી છે. કોંગ્રેસનો આરોપ છે કે અદાણીને તમામ કોન્ટ્રાક્ટ મળી રહ્યા છે. ગૃહમંત્રીએ કહ્યું કે, ભાજપ પાસે આ મામલે છુપાવવા જેવું કંઈ નથી અને ડરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, દેશની સર્વોચ્ચ અદાલતે આ સાથે સંબંધિત એક મામલાની નોંધ લીધી છે. આવી સ્થિતિમાં દેશની કેબિનેટના સભ્ય હોવાના કારણે મારા માટે આ સમયે કંઈપણ કહેવું યોગ્ય નથી.