રઘુરામ રાજને કહ્યું કે મોરેશિયસ સ્થિત આ 4 ફંડ વિશે કહેવાય છે કે તેમણે પોતાના 6.9 અબજ ડૉલરના ફંડમાંથી આશરે 90 ટકા રકમનું તો માત્ર અદાણી ગ્રૂપના શેરોમાં જ રોકાણ કરી રાખ્યું છે.
મોરેશિયસ સ્થિત એલારા ઈન્ડિયા ઓપોર્ચ્યુનિટી ફંડ, ક્રેસ્ટા ફંડ, એલ્બુલા ઈન્વેસ્ટમેન્ટ ફંડ અને એપીએમએસ ઈન્વેસ્ટમેન્ટ ફંડ પર નકલી( શેલ) કંપની હોવાનો આરોપ લાગ્યો હતો
ભારતીય રિઝર્વ બેન્ક(RBI)ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને અદાણી ગ્રૂપ સાથે સંકળાયેલા બજાર નિયામક SEBI સામે સવાલો ઊભા કરી દીધા છે. રઘુરામ રાજને અત્યાર સુધી મોરેશિયસમાં સક્રિય શંકાસ્પદ કંપનીઓની માલિકી વિશે કોઈ તપાસ ન કરવા બદલ ભારતીય શેરબજાર નિયામક SEBI સામે સવાલો ઊઠાવ્યા હતા અને તેમણે કહ્યું કે હિંડેનબર્ગ રિસર્ચ રિપોર્ટમાં જે કંઈ કહેવામાં આવ્યું છે તેની તપાસ કરવાનું SEBIને જરૂરી કેમ ન લાગ્યું? ખરેખર આ એક મોટો મુદ્દો છે.
રઘુરામ રાજને SEBIનો લીધો ઉધડો…
રઘુરામ રાજને કહ્યું કે મોરેશિયસ સ્થિત આ ચાર ફંડ વિશે કહેવાય છે કે તેમણે પોતાના 6.9 અબજ ડૉલરના ફંડમાંથી આશરે 90 ટકા રકમનું તો માત્ર અદાણી ગ્રૂપના શેરોમાં જ રોકાણ કરી રાખ્યું છે. આ મામલે કોઈ તપાસ પણ ન કરવામાં આવતા રઘુરામ રાજને સવાલ ઊઠાવ્યો કે શું SEBIએ તેના માટે પણ તપાસ એજન્સીઓની મદદ લેવાની જરૂર છે કે શું?
મોરેશિયસની આ 4 કંપનીઓ બે વર્ષથી શંકાના ઘેરામાં
મોરેશિયસ સ્થિત એલારા ઈન્ડિયા ઓપોર્ચ્યુનિટી ફંડ, ક્રેસ્ટા ફંડ, એલ્બુલા ઈન્વેસ્ટમેન્ટ ફંડ અને એપીએમએસ ઈન્વેસ્ટમેન્ટ ફંડ નકલી( શેલ) કંપની હોવાનો આરોપ લાગ્યા બાદ ગત બે વર્ષથી શંકાના ઘેરામાં છે. આ કંપનીઓ આ જાન્યુઆરી મહિનામાં ફરીવાર ચર્ચામાં ત્યારે આવી જ્યારે અમેરિકી ફર્મ હિંડેનબર્ગ રિસર્ચ ફર્મે આરોપ મૂક્યો કે અદાણી ગ્રૂપે તેના શેરોની કિંમતોમાં વધારો કરવા માટે શેલ કંપનીઓની મદદ લીધી. જોકે અદાણી ગ્રૂપ આ પ્રકારના તમામ અહેવાલોને નકારતું રહ્યું છે.
રઘુરામ રાજને કહ્યું મુદ્દો નિયામકોને મુક્ત રીતે કામ કરવા દેવાનો છે
રઘુરામ રાજને એક ઈન્ટરવ્યૂમાં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(SEBI) પર સવાલો ઊભા કર્યા હતા. તેમણે કહ્યું કે મુદ્દો સરકાર અને કારોબાર જગત વચ્ચે બિનપારદર્શક સંબંધોને ઘટાડવાનો છે અને ખરેખર નિયામકોને તેમનું કામ કરવા દેવાનો છે. શું SEBI અત્યાર સુધી મોરેશિયસના એ ફંડ્સની માલિકી સુધી નથી પહોંચી શકી જે અદાણીના શેરોમાં બિઝનેસ કરી રહ્યા છે? શું તેના માટે પણ તપાસ એજન્સીઓની મદદ લેવાની જરૂર છે.
મોરેશિયસમાં કોર્પોરેટ ટેક્સ લાગતો નથી
ઉલ્લેખનીય છે કે આ ઈન્વેસ્ટમેન્ટ ફંડ્સના મોરેશિયસમાં રજિસ્ટર્ડ હોવાથી તેમની માલિકીનું માળખું પારદર્શક નથી. મોરેશિયસ એ દેશોમાં સામેલ છે જ્યાં કોર્પોરેટ ટેક્સ લાગતો નથી. હિંડેનર્બગનો રિપોર્ટ આવ્યા બાદ અદાણી ગ્રૂપના શેરોમાં ભારે કડાકો બોલાયો હતો. આ દરમિયાન ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓની માર્કેટ વેલ્યૂ પણ લગભગ અડધી થઇ ચૂકી છે.