‘હિન્દુ રેટ ઓફ ગ્રોથ’ શું છે જેની નજીક પહોંચ્યું ભારત, પૂર્વ RBI ગર્વનરે કહ્યું- આ ડરાવનારી વાત

0
4

રઘુરામ રાજને એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે ભારત ‘હિન્દુ વૃદ્ધિ દર’ની અત્યંત નજીક પહોંચી ગયું

ઉલ્લેખનીય છે કે ભારતીય અર્થતંત્રનો વૃદ્ધિ દર 1950થી 1980ના દાયકા સુધી 4 ટકાના નીચલા સ્તરે રહ્યો હતો જેને ‘હિન્દુ રેટ ઓફ ગ્રોથ’ પણ કહેવાય છે

ભારતીય રિઝર્વ બેન્ક(RBI)ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે ભારત ‘હિન્દુ વૃદ્ધિ દર’ની અત્યંત નજીક પહોંચી ગયું છે. તેમણે ખાનગી ક્ષેત્રના રોકાણમાં અભાવ, ઊંચા વ્યાજદરો અને વૈશ્વિક વૃદ્ધિની ધીમી ગતિનો ઉલ્લેખ કરતાં આ ટિપ્પણી કરી હતી.  રાજને જણાવ્યું કે નેશનલ સ્ટેટેસ્ટિકલ ઓફિસ(NSO)એ ગત મહિને રાષ્ટ્રીય આવકના અનુમાન જાહેર કર્યા હતા. જેમાં ત્રિમાસિક વૃદ્ધિમાં સિલસિલેવાર મંદીના સંકેત મળે છે જે ચિંતાની વાત છે. 

‘હિન્દુ રેટ ઓફ ગ્રોથ’ શું છે? 

ઉલ્લેખનીય છે કે ભારતીય અર્થતંત્રનો વૃદ્ધિ દર 1950થી 1980ના દાયકા સુધી 4 ટકાના નીચલા સ્તરે રહ્યો હતો જેને ‘હિન્દુ રેટ ઓફ ગ્રોથ’ પણ કહેવાય છે.  ધીમી વૃદ્ધિ માટે ‘હિન્દુ રેટ ઓફ ગ્રોથ’ શબ્દનો ઉપયોગ 1978માં ભારતીય અર્થશાસ્ત્રી રાજકૃષ્ણએ કર્યો હતો. 

ત્રીજી ત્રિમાસિકનો વૃદ્ધિ દર ચિંતાજનક 

એનએસઓ અનુસાર ચાલુ નાણાકીય વર્ષની ત્રીજી ત્રિમાસિકમાં જીડીપીનો વૃદ્ધિ દર ઘટીને 4.4 ટકા રહી ગયો છે જે બીજી ત્રિમાસિક(જુલાઇ-સપ્ટેમ્બર)માં 6.3 ટકા અને પ્રથમ ત્રિમાસિક(એપ્રિલ-જૂન)માં 13.2 ટકા રહ્યો હતો. ગત વર્ષની ત્રીજા ત્રિમાસિકમાં વૃદ્ધિ દર 5.2 ટકા રહ્યો હતો. રાજને કહ્યું કે આશાવાદીઓ નક્કી જીડીપીના આંકડામાં કરાયેલા સુધારાની વાતો કરશે પણ હું સિલસિલેવાર મંદીને લઈને ચિંતિત છું. ખાનગી ક્ષેત્રો રોકાણ કરવા માટે ઈચ્છુક નથી. આરબીઆઈ વ્યાજદર વધારતી રહે છે અને વૈશ્વિક વૃદ્ધિ આવનારા સમયમાં વધુ મંદીના ઘેરામાં આવી શકે છે. એવામાં હું ન કહી શકું કે વૃદ્ધિ કઈ દિશામાં આગળ વધશે. 

રાજને કહ્યું આટલો વૃદ્ધિદર પ્રાપ્ત થાય તોય પોતાને ભાગ્યશાળી માનીશું… 

પૂર્વ આરબીઆઈ ગર્વનર રઘુરામ રાજનને આગામી નાણાકીય વર્ષ 2023-24માં ભારતના વૃદ્ધિ દર અંગે સવાલ કરાયો હતો. તેના જવાબમાં તેમણે કહ્યું કે જો 5 ટકા વૃદ્ધિદર પણ પ્રાપ્ત થઈ જાય તો આપણે પોતાને ભાગ્યશાળી માનીશું. ઓક્ટોબર-ડિસેમ્બરના જીડીપીના આંકડા જણાવે છે કે વર્ષના પ્રથમ છ માસિકમાં વૃદ્ધિ નબળી પડી છે. તેમણે કહ્યું કે હું કારણ વિના ચિંતિત નથી. આરબીઆઈએ તો ચાલુ નાણાકીય વર્ષના અંતિમ ત્રિમાસિકમાં પણ 4.2 ટકાના વૃદ્ધિ દરનો જ અનુમાન વ્યક્ત કર્યો છે. 

રાજને ડરાવનારી વાત કેમ ગણાવી? 

રઘુરામ રાજને કહ્યું કે હાલના સમયે ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિકનો સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર પહેલાની તુલનાએ 3.7 ટકા છે. આ જૂના હિન્દુ વૃદ્ધિ દરની એકદમ નજીક છે અને તે ડરાવનારી વાત છે. આપણે તેનાથી સારું કરવું પડશે. તેમણે સ્વીકાર્યું કે સરકાર માળખાકીય રોકાણના મોરચે કામ કરી રહી છે પણ વિનિર્માણ પર ભાર મૂકવાની અસર હજુ દેખાવાની બાકી છે. તેમણે સર્વિસ સેક્ટરના પ્રદર્શનને ચમકીલો પક્ષ ગણાવતા કહ્યું કે તેમાં સરકારની ભૂમિકા ખાસ નથી.