શહેરના ઉસ્માનપુરામાં અનિલ પટેલ નામના શખ્સે મારી પત્ની પોલીસમાં છે તમે મારું કંઇ નહિં બગાડી શકો કહીને સોસાયટીમાં રોફ જમાવવા ગાળાગાળી કરી હોવાની ફરિયાદ વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. તેમજ ફરિયાદી પરિવારની પુત્રવધુનો હાથ પકડીને પોતાના તરફ ખેંચી લીધી હતી.
મહિલાઓએ ગાળો બોલવાની ના પાડતા વધુ ઉશ્કેરાયો
ઉસ્માનપુરા વિસ્તારમા આવેલી રમેશપાર્ક સોસાયટીમાં અનિલ પટેલ તેમના પરિવાર સાથે રહે છે. તેમની પત્ની નેહલ પટેલ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. અનિલ પટેલ પત્ની પોલીસમાં હોવાથી સોસાયટીમાં પોતાનો રોફ જમાવવા માટે સોસાયટીના સભ્યો સાથે ગાળાગાળી કરતા હોવાથી સોસાયટીના સભ્યો પણ હેરાન પરેશાન થઇ ગયા છે. બુધવારે બપોરે સોસાયટીમા રહેતો એક પરિવાર ઘરમાં સૂતો હતો, ત્યારે અનિલ પટેલે પરિવારના ઘર પાસે આવી ગાળાગાળી શરૂ કરી દીધી હતી. જેથી ઘરની મહિલા સભ્યોએ બહાર આવી ગાળો ન બોલવા માટે કહ્યું હતું. જેને પગલે અનિલ પટેલ વધુ ઉશ્કેરાયો હતો.
લોકોએ ભેગા થઇ અનિલ પાસેથી પરીણિતાને છોડાવી
ત્યાર બાદ અનિલ પટેલે ગુસ્સે થઇ પરિવારની પુત્રવધુનો હાથ પકડી લીધો હતો અને તેની તરફ ખેંચી લીધી હતી અને તેને છોડાવવા ઘરના અન્ય સભ્યો દોડી આવ્યા હતા. આ દરમિયાન સોસાયટીના લોકો પણ ભેગા થઇ ગયા હતા. લોકોએ ભેગા થઇ અનિલ પાસેથી પરીણિતાને છોડાવી હતી. આ દરમ્યાન ઝપાઝપી થતા અનિલ પટેલ પડી જતા હાથમાં ઇજા થઈ હતી.
હું તમને જીવતા નહીં રહેવા દઉં કહી
અનિલ પટેલે કહ્યું કે, મારી પત્ની પોલીસમાં છે, તમે મારું કશું નહિં બગાડી શકો. હું તમને જીવતા નહીં રહેવા દઉં કહી જતો રહ્યો હતો. આ મામલે મહિલાએ વાડજ પોલીસ સ્ટેશનમાં અનિલ પટેલ સામે છેડતી, મારામારી અને ધમકીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.