ગુજરાતમાંથી હવે ચોમાસાની વિદાય થઈ રહી છે. ત્યારે આજે અંતિમ ચરણમાં પણ અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડ્યો છે. જેથી જોત જોતામાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં ગરમીનો પ્રમાણ વધતા શહેરીજનો ભારે મુશ્કેલી અનુભવી રહ્યાં હતા. તેમ વરસાદના ઝાપટા સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સુરતમાં પણ આજે કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
ક્યા વિસ્તારોમાં વરસાદ
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં બાપુનગર, રખિયાલ, નરોડા, હાટકેશ્વર, પ્રેમ દરવાજા, કુબેરનગર, નિકોલ અને ગોમતીપુરમાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો.
સિઝનનો સૌથી ઓછો વરસાદ કચ્છમાં
ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે કચ્છમાં 89 ટકા વરસાદની ઘટ પડી છે. તેમજ કચ્છમાં અત્યાર સુધી માત્ર 26.51 ટકા વરસાદ પડ્યો છે. ગુજરાતમાં સરેરાશ 76.61 ટકા વરસાદ પડ્યો. છેલ્લા 4 વર્ષમાં કચ્છમાં આ વર્ષે સૌથી ઓછો વરસાદ પડ્યો છે. તેની સાથે રાજ્ય સરકારે કચ્છને અછતગ્રસ્ત જિલ્લો જાહેર કર્યો છે.