અમદાવાદ: દેશની સૌથી રેપ્યુટેડ અને ટોપની બી-સ્કૂલ એવી અમદાવાદ IIM (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ)માં અભ્યાસ કરતી એક આશાસ્પદ યુવતીએ આજે કેમ્પસમાં જ આપઘાત (Suicide) કરી લેતા ચકચાર મચી ગઈ છે. ભણવા ગણવામાં અવ્વલ ગણાતા વિદ્યાર્થીઓ અને ટોચના મેનેજમેન્ટ પ્રૉફેશનલ્સને તૈયાર કરતી સંસ્થામાં આ પ્રકારની ઘટનાથી શિક્ષણ જગતમાં કુતૂહલ સર્જાયું છે.
ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટમાં બુધવારે સાંજે 4 વાગ્યાની આસપાસ પીજીપીના બીજા વર્ષમાં અભ્યાસ કરતી મૂળ બિહારની 25 વર્ષીય યુવતીએ ગળાફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું હતું. આ અંગે સિક્યોરિટી ગાર્ડે સેટેલાઇટ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ડેડબોડી પોસ્ટમોર્ટમ કરવા સોલા સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી.
પોલીસે યુવતીની હોસ્ટેલમાં રહેતા અન્ય વિદ્યાર્થીઓની પૂછપરછ હાથ ધરી છે. પોલીસે યુવતીનો મોબાઇલ કબ્જે કર્યો હતો. પરંતુ મોબાઇલ ચાલુ કરવા પાસવર્ડ જાણવા સાયબર ક્રાઇમની મદદ લીધી છે. મોબાઇલ ખુલ્યા બાદ અને કોલ ડિટેલ્સ મળે તેના આધારે કારણ મળવાની શક્યતા છે. સેટેલાઈટ પોલીસના જણાવ્યા મુજબ પોલીસે યુવતીના રૃમમાં તપાસ કરી હતી પરતું કોઈ સ્યુસાઈડ નોટ મળી આવી નથી. જેને કારણે યુવતીએ શા માટે આપઘાત કર્યો તે અંગે તાત્કાલિક જાણી શકાયું ન હતું.આઈઆઈએમ-અમદાવાદમાં પીજીપી કોર્સની બીજા વર્ષની વિદ્યાર્થિની દૃષ્ટિ રાજે આપઘાત કરી લેતા કેમ્પસમાં આઘાતની લાગણી ફરી વળી હતી. ગર્લ્સના ડોમ નં.૮માં પોતાના રૂમમાં દૃષ્ટિ પંખાની સાથે ફાંસો લગાવેલી હાલતમાં મળી આવી હતી. દ્રષ્ટિ અભ્યાસમાં અત્યંત તેજસ્વી હતી તો કયા કારણોસર તેને આ અંતિમ પગલુ ભર્યું તે અંગે હાલ કોઇ વિચારી રહ્યું છે. તેના પિતા નોકરિયાત અને માતા હાઉસવાઈફ છે.