એએસઆઈના રિપોર્ટ સહિત અનેક પુરાવા કોર્ટમાં રજુ
નવી દિલ્હી,તા.૨૧
ચર્ચાસ્પદ અને સંવેદનશીલ રામજન્મભૂમિ-બાબરી મસ્જદ મામલામાં સુનાવણીનો દોર સુપ્રીમ કોર્ટમાં જારી રહ્યો છે. છઠ્ઠી ઓગસ્ટથી નિયમિત આધાર પર સુનાવણી ચાલી રહી છે. આજે પણ આ મામલામાં સુનાવણી આગળ વધી હતી. આજે સુનાવણીના નવમા દિવસે રામલલ્લાના વકીલ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા દરરોજ સુનાવણી કરવામાં આવી રહી છે. જેથી આ મામલાનો ઉકેલ પણ વહેલી તકે આવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટે અગાઉ મધ્યસ્થીની બાબતને ફગાવી દીધી હતી. મંગળવારે રામલલા વિરાજમાનના વકીલ વૈદ્યનાથને કોર્ટમાં પોતાનો પક્ષ રજુ કર્યો હતો અને એએસઆઈના રિપોર્ટ સહિત ઘણા પુરાવાઓ કોર્ટમાં રજુ કર્યા હતા. બુધવારે પણ તેઓ પોતાનો પક્ષ મુકી રહ્યા છે. વૈદ્યનાથને દલીલ રજુ કરતા કહ્યું કે, લોકોની આસ્થા વિવાદિત સ્થળને રામજન્મભૂમિ સાબિત કરવા માટે પૂરતી છે. પછી ભલે ત્યાં મંદિર હોય કે ન હોય. રામલલ્લાના વકીલ વૈદ્યનાથને ચીફ જસ્ટિસની બેંચ સામે પોતાના તર્ક રજુ કર્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, રામલલ્લા સગીર છે, એવામાં સગીરની સંપત્તિને ન તો વેચી શકાય છે ન તો છીનવી શકાય છે. વકીલે કોર્ટ સામે પોતાની દલીલ રજુ કરતા કહ્યું કે, જો થોડી ક્ષણો માટે એવું માની પણ લઈ કે ત્યાં કોઈ મંદિર ન હતું, તેમ છતા લોકોનો વિશ્વાસ છે કે રામજન્મભૂમિ પર જ શ્રીરામનો જન્મ થયો હતો. એવામાં ત્યાં મૂર્તિ રાખવી તે સ્થળને પવિત્ર બનાવે છે. આયોધ્યા કેસની સુનાવણી શરૂ થતાની સાથે જ રામલલ્લાના વકીલ સીએ વૈદ્યનાથને કહ્યું કે, જો અમારી જમીન હોય અને કોઈ બીજા દ્વારા ગેરકાયદેસર કોઈ ઢાંચો ઊભો કરી દેવામાં આવે તો જમીન તેમની ન થઈ જાય, જો ત્યાં મંદિર હતું, લોકો પૂજા પણ કરી રહ્યા હતા તો તેમણે કંઈ સાબિત કરવાની જરૂર નથી.