ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર નિર્માણ કાર્ય ઝડપથી કરવામાં આવી રહ્યુ છે. રામ મંદિરના ગ્રાઉન્ડ ફ્લોરનું કામ હવે અંતિમ તબક્કામાં છે. દરમિયાન શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય નૃપેન્દ્ર મિશ્રા નિર્માણ કાર્યોનું નિરીક્ષણ કરવા માટે અયોધ્યા પહોંચ્યા. જ્યાં તેમણે નિર્માણ કાર્યની પ્રગતિને લઈને અધિકારીઓ સાથે વાતચીત કરી.
આશા વ્યક્ત કરાઈ રહી છે કે રામ મંદિરનું ભોંયતળિયુ આ વર્ષે ઓક્ટોબર સુધી બનીને તૈયાર થઈ જશે. આગામી વર્ષે જાન્યુઆરીમાં રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય નૃપેન્દ્ર મિશ્રાએ રામ મંદિર નિર્માણ સ્થળે જઈને જાણકારી મેળવી. નિર્માણ કાર્યની દરરોજ દેખરેખ કરવામાં આવી રહી છે અને કામ ઝડપથી ચાલી રહ્યુ છે.
જાન્યુઆરીમાં થશે પ્રાણ પ્રતિષ્ઠા
રામ મંદિર ત્રણ માળનું હશે. ગર્ભગૃહમાં રામલલાની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા આગામી વર્ષે જાન્યુઆરીમાં કરવામાં આવશે. આ માટે હાલ તારીખનું એલાન કરવામાં આવ્યુ નથી પરંતુ મકર સંક્રાંતિ બાદ આનું આયોજન થશે તેવુ જણાવાયુ છે. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રિત કરવામાં આવશે.
મંદિરની ખાસિયત
રામ મંદિર 380 ફૂટ લાંબુ, 250 ફૂટ પહોળુ અને 161 ફૂટ ઊંચુ હશે. કુબેર ટીલે પર શિવ મંદિર અને જટાયુ ભક્તોને આકર્ષિત કરશે. રામ મંદિરમાં સાગના લાકડાના 46 દરવાજા હશે. સાથે જ ગર્ભગૃહનો દરવાજો સુવર્ણજડિત હશે. સાથે જ મંદિરમાં 392 સ્તંભ હશે.