અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 14 સ્વિમિંગ પુલોના ખાનગીકરણની હિલચાલ હાથ ધરાઈ છે. આ હેતુસર સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મંજૂર કરી છે. પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ (પીપીપી) મોડલથી શહેરના તમામ સ્વિમિંગ પુલનું સંચાલન રસ ધરાવતી પાર્ટીને સોંપવાનો તખ્તો ઘડાયો છે અને ટૂંક સમયમાં તેનો અમલ કરાશે.
સવાર-સાંજ સિવાયના સમયમાં ખાનગી કોન્ટ્રાક્ટર પોતાની રીતે ચાર્જ લેશે
આ અંગે મ્યુનિ. પદાધિકારીએ કહ્યું કે, પીપીપી મોડલથી સ્વિમિંગ પુલોનું સંચાલન સોંપવામાં આવશે. જોકે, તેના કારણે ફીમાં કોઈ વધારો કરાશે નહીં, જેના લીધે સ્વિમિંગ પુલનો લાભ લેનાર શહેરીજનો પર કોઈ પ્રકારે ફી વધારો કે બોજ પડશે નહીં. હાલ સ્વિમિંગ પુલ માટે કાયમી સ્ટાફ નથી અને તમામ સ્ટાફ કોન્ટ્રાક્ટ પર છે તેમજ કોચની ફેસિલિટી નથી. ટેક્નિકલ કારણોસર કોન્ટ્રાક્ટ પરના સ્ટાફને કાયમી કરી શકાતો નથી. ઉપરાંત પીપીપી મોડલથી સ્વિમિંગ પુલ સોંપાયા બાદ ગવર્નિંગ બોડીમાં મ્યુનિ.ના અધિકારીઓ હશે અને મ્યુનિ.નો જ કન્ટ્રોલ રહેશે.
મ્યુનિ.ના સ્વિમિંગ પુલો પીપીપી મોડલથી સોંપાયા બાદ સવારે અને સાંજે બે કલાક માટે નાગરિકોને હયાત ફી વસૂલ કરીને સ્વિમિંગ પુલની સુવિધા અપાશે. જ્યારે તે સિવાયના સમયગાળામાં ખાનગી સંચાલકો ખાનગી કોચિંગ કરી શકશે અને કોમ્પિટિશન યોજી શકશે અને તે માટે ફીનું ધોરણ કે ચાર્જ તેઓ નક્કી કરશે. હાલ શહેરના 4 સ્વિમિંગ પુલ સિવાયના સ્વિમિંગ પુલ ખોટ કરે છે. જ્યારે વાસણા, કાંકરિયા, સ્ટેડિયમ અને ખોખરા એમ 4 સ્વિમિંગ પુલ નફો- કમાણી કરે છે.જ્યારે બાકીના પુલ નુકસાન કરે છે.