કાઠમંડૂ,તા.૧૬
ભારત સાથે તનાતની વચ્ચે નેપાળે આખરે નમતું ઝોખવું પડ્યું છે. કેબલ ઓપરેટરોએ નેપાળ સરકારના ઈશારે ભારતની ન્યૂઝ ચેનલો પર લગાવેલા પ્રતિબંધને હટાવી લીધો છે. દર્શકો અને લોકોના ભારે વિરોધના કારણે ભારતીય ન્યૂઝ ચેનલોનું આજ સવારથી પ્રસારણ શરૂ થઈ ગયું.
જો કે ઓલી સરકાર તરફથી હજુ સુધી કોઈ અધિકૃત નિવેદન આવ્યું નથી. કહેવાય છે કે કેબલ ઓપરેટરોએ બેન લગાવ્યો હતો અને પોતે જ હટાવી લીધો. જો કે હજુ પણ કેટલીક સમાચાર ચેનલો પર પ્રતિબંધ ચાલુ રહેશે.
અત્રે જણાવવાનું કે છેલ્લા કેટલાક સમયથી ભારત અને નેપાળ વચ્ચે તણાવની સ્થિતિ છે. નેપાળે એક નવો મેપ બહાર પાડીને લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરા ભારતીય વિસ્તારો પર પોતાનો દાવો ઠોક્યો હતો. જો કે ભારતે કડક શબ્દોમાં કહી દીધુ છે કે આ વિસ્તારો ભારતના જ છે.
હાલમાં જ નેપાળના પીએમ કેપી શર્મા ઓલીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. પીએમ ઓલીએ ભારત પર સાંસ્કૃતિક અતિક્રમણનો આરોપ લગાવતા કહ્યું હતું કે ભગવાન રામ ભારતીય નહીં પરંતુ નેપાળી છે. તેમણે કહ્યું હતું કે ભારતે નકલી અયોધ્યા બનાવીને નેપાળના સાંસ્કૃતિક તથ્યો પર અતિક્રમણ કર્યું છે.