ચક્રવાત ફ્રેડીને કારણે વાતાવરણ ખુબ જ ખરાબ
પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી
આફ્રિકન દેશ માલાવીમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત ફ્રેડીએ તબાહી મચાવી હતી અને તેને કારણે અત્યાર સુધીમાં 100 લોકોના મોત થયા છે. ચક્રવાત તુફાનને કારણે વાતાવરણ ખુબ જ ખરાબ છે. ઘણા વિસ્તારો પૂરથી પ્રભાવિત છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે. હાલ પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી હાથ ધરીને મૃતદેહો શોધવાનું કામ ચાલી રહ્યું છે.
અનેક વિસ્તારોમાં ચક્રવાતનો કહેર
ગઈકાલે ચક્રવાત દરમિયાન બ્લેન્ટાયર શહેરમાં રહેણાંક વિસ્તાર પૂરથી પ્રભાવિત થયો હતો. વર્લ્ડ મીટીરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન મુજબ ફ્રેડીએ દક્ષિણ આફ્રિકામાં અત્યાર સુધી નોંધાયેલ સૌથી શક્તિશાળી ચક્રવાત પૈકીનું એક છે અને તે સૌથી લાંબો સમય ચાલતું ઉષ્ણકટિબંધીય ચક્રવાત હોઈ શકે છે. આ ભયંકર ચક્રવાતને કારણે અનેક વિસ્તારો તેની ચપેટમાં આવ્યા હતા અને સંપતિને નુકસાન કર્યુ હતું.
ચક્રવાતને કારણે બંદરની આસપાસ પૂર આવ્યુ
આ ભીષણ ચક્રવાતએ શનિવારે મધ્ય મોઝામ્બિકમાં તબાહી મચાવી હતી. ચક્રવાત એટલું તીવ્ર હતું કે ઇમારતોની છત તુટી ગઈ હતી અને ભૂસ્ખલનને કારણે માલાવી બાજુના ક્વિલિમેન બંદરની આસપાસ પૂર આવ્યું હતું. માલાવી પણ તેના ઈતિહાસમાં સૌથી ભયંકર કોલેરા પ્રકોપનો સામનો કરી રહ્યું છે. યુએન એજન્સીઓએ ચેતવણી આપી છે કે ફ્રેડીના કારણે ભારે વરસાદને કારણે સ્થિતિ વધુ વણસી શકે છે.