પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ રહેલો વધારો અટકવાનું નામ જ નથી લેતો. સરકારી ઓઈલ કંપનીઓએ શનિવારે એટલે કે 23 જાન્યુઆરીએ સતત બીજા દિવસે ઈંધણના ભાવમાં વધારો કર્યો છે. ઓઈલ કંપનીઓના ભાવ વધારા પછી અમદાવાદમાં લિટર દીઠ પેટ્રોલનો ભાવ રૂ. 83.07 અને ડિઝલનો ભાવ 81.68 થઈ ગયો છે. અમદાવાદમાં આ ભાવ ઓલટાઈમ હાઈ નોંધાયો છે.
રાજસ્થાન પેટ્રોલની કિંમત રૂ. 100ની નજીક પહોંચી ગઈ છે. ભોપાલમાં લિટરદીઠ પેટ્રોલની કિંમત 93.56 અને મુંબઈમાં લિટરદીઠ પેટ્રોલની કિંમત રૂ. 92.28 થઈ ગઈ છે. જાન્યુઆરીમાં અત્યારસુધીમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 8 વખત વધારો થઈ ચૂક્યો છે.
બીજી બાજુ, દિલ્હીમાં 23 જાન્યુઆરીએ પેટ્રોલનો ભાવ રૂ. 85.70 અને ડીઝલનો ભાવ રૂ. 75.88 લિટરદીઠ થઈ ગયો હતો. ડીઝલના ભાવમાં 26 પૈસા અને પેટ્રોલના ભાવમાં 25 પૈસાનો વધારો થયો છે. આ પહેલાં શુક્રવારે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો હતો.
રાજસ્થાનના ગંગાનગરમાં પેટ્રોલનો લિટરદીઠ ભાવ રૂ.97.50 થયો
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજસ્થાનના ગંગાનગર વિસ્તારમાં પેટ્રોલની કિંમત રૂ. 97.50 લિટરદીઠ થઈ ગઈ છે. ડીઝલના ભાવ રૂ. 88.91 પ્રતિ લિટર થઈ ગયા છે. જયપુરમાં પેટ્રોલની કિંમત રૂ. 93.20 થઈ ગઈ છે. જો પેટ્રોલના ભાવ આ રીતે જ વધતા ગયા તો ટૂંક સમયમાં જ અહીં કિંમત રૂ. 100 થઈ શકે છે.