ક્રિકેટમાં બેટર માટે સદી ફટકારવી એક મોટી સિદ્ધિ ગણાય છે. 100 રન પૂરા કરવા માટે બેટરે કલાકો સુધી ક્રિઝ પર ટકી રહેવું પડે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ સચિન તેંદુલકરના નામે છે, જેણે કુલ 100 સદી ફટકારી હતી. પરંતુ ફર્સ્ટ ક્લાસ કરિયરમાં સદીની વાત કરે તો સચિન તેંદુલકર, સૌરવ ગાંગુલી અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ બેટરો પણ આ યાદીમાં ખૂબ પાછળ જોવા મળે છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી વધારે ફટકારવાનો રેકોર્ડ 199 સદી સાથે ઇંગ્લેન્ડના જેક હોબ્સના નામે છે.
ઇંગ્લેન્ડનો જેક હોબ્સ ટોચ પર :
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં છ એવા ખેલાડીઓ છે, જેમણે પોતાના કરિયરમાં 150 અથવા તેનાથી પણ વધુ સદીઓ ફટકારી છે. આ યાદીમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ ઇંગ્લેન્ડના જેક હોબ્સના નામે છે, જેણે પોતાના કરિયરમાં 199 સદી ફટકારી હતી. હોબ્સે 1905થી 1934 સુધીના પોતાના ઐતિહાસિક કરિયરમાં કુલ 834 ફર્સ્ટ-ક્લાસ મેચો રમી 61,760 રન ફટકાર્યા હતા. આ દરમિયાન તેણે 50.70ની એવરેજ સાથે 199 સદી અને 275 અર્ધસદી પણ ફટકારી હતી. આ યાદીમાં બીજા ક્રમે ઇલાયસ હેનરી હેંડ્રેન છે, તે પણ ઇંગ્લેન્ડનો ખેલાડી હતો. હેનરીએ તેના ફર્સ્ટ-ક્લાસ કરિયરમાં 170 સદી ફટકારી હતી અને 57 હજારથી વધુ રન બનાવ્યા હતા. તમને જણાવી દઇએ કે, જે મેચ ત્રણ અથવા તેનાથી વધુ દિવસ સુધી ચાલે છે તે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ગણવામાં આવે છે. એટલે કે આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટ અને ભારતમાં રમાતી રણજી ટ્રોફી પણ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ અંતર્ગત આવે છે. સચિન તેંદુલકરે પોતાના ફર્સ્ટ ક્લાસ કરિયરમાં 81 સદી ફટકારી હતી, જ્યારે વિરાટ કોહલી આ ફોર્મેટમાં અત્યાર સુધી માત્ર 36 સદી જ ફટકારી શક્યા છે.