સરકાર દ્વારા મહારાષ્ટ્રમાં તમામ ક્ષેત્રે વિકાસ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પણ ગ્રામીણ ક્ષેત્રમાં આરોગ્યની સ્થિતિ ગંભીર હોવાનું જણાયું છે. મરાઠી ફિલ્મોની એક અભિનેત્રી અને તેની નવજાત બાળકીનાં ઍમ્બ્યુલન્સ સમયસર ન મળતાં મૃત્યુ થયાં હતાં.
બે દિવસ પહેલાં જ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં સત્તાધારી સહિતના તમામ રાજકીય પક્ષોએ નાગરિકોને તમામ પ્રકારની સુવિધા આપવાનાં વચન આપ્યાં હતાં, પરંતુ મતદાનના એક દિવસ પહેલાં ૨૫ વર્ષની અભિનેત્રી પૂજા જુંજર અને તેની નવજાત દીકરીએ આરોગ્યની સેવા સમયસર ન મળતાં જીવ ગુમાવ્યા હોવાનો આરોપ તેમના પરિવારજનોએ કર્યો છે.
અભિનેત્રીએ રવિવારે હિંગોલીના સેનગાવ તાલુકાના ગારેગામમાં આવેલી એક હૉસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો. જોકે પુત્રીને જન્મ આપ્યા બાદ અભિનેત્રીની તબિયત કથળી હતી. ડૉક્ટરોએ તેને તાત્કાલિક મોટી હૉસ્પિટલમાં ખસેડવાનું કહ્યું હતું, પણ બીજી હૉસ્પિટલમાં લઈ જવા માટે ગોરેગામ અને આસપાસમાં ઍમ્બ્યુલન્સ શોધવામાં સૌ લાગી ગયા હતા, પરંતુ એમાં ઘણો સમય વીતી ગયો હતો.
જેમતેમ કરીને એક પ્રાઇવેટ ઍમ્બ્યુલન્સ મળી, જેમાં પૂજાને નવજાત બાળકી સાથે ૪૦ કિલોમીટર દૂર આવેલી હિંગોલી શહેરની હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી, પરંતુ પૂજાનું એ દરમ્યાન મૃત્યુ થયું હતું. સવારે ૬.૩૦ વાગ્યે બાળકીને જન્મ આપ્યા બાદ તેની તબિયત લથડી હતી.
મૃત્યુ પામનાર અભિનેત્રી પૂજાના પરિવારજનોએ આ બાબતે સ્થાનિક પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પૂજાએ બે મરાઠી ફિલ્મમાં કામ કર્યું હતું. આ ઘટના પરથી ખ્યાલ આવે છે કે સરકાર વિકાસની બૂમો પાડે છે, પણ હકીકતમાં આરોગ્યથી માંડીને અનેક ક્ષેત્રની સ્થિતિમાં ખાસ કોઈ ફરક નથી પડ્યો.