અમદાવાદ: બેન્ક શેરમાં ફેબ્રુઆરી બાદ સતત ઘટાડાની ચાલ જોવા મળી હતી. પંજાબ નેશનલ બેન્ક, એસબીઆઇના ત્રિમાસિક સમયગાળાના પરિણામ પણ નબળા આવ્યાં હતાં. નિરવ મોદીના બહાર આવેલા કૌભાંડ બાદ તેના છાંટા પીએનબી સહિત અન્ય બેન્કો પર પણ ઊડ્યા હતા.
તેના કારણે બેન્ક શેરમાં વેચવાલી જોવા મળી હતી, પરંતુ છેલ્લા એક સપ્તાહનો ટ્રેન્ડ જોતાં બેન્ક શેરમાં ફરી એક વખત નીચા મથાળેથી રિકવરી જોવા મળી છે. છેલ્લા એક જ સપ્તાહમાં જાહેર ક્ષેત્રની અગ્રણી એસબીઆઈમાં ૧૧ ટકાનો ઉછાળો જોવાયો છે, જે એક વર્ષની બેન્ક એફડી કરતાં પણ વધુ છે.
નોંધનીય છે કે એક વર્ષની એફડી પર હાલ ૬.૨૫થી ૬.૫૦ ટકા જેટલું વ્યાજ આપવામાં આવે છે. બેન્ક ઓફ બરોડા, પીએનબી અને બેન્ક ઓફ ઇન્ડિયાના શેરમાં પણ છેલ્લા એક જ સપ્તાહમાં ૧૦થી ૧૧ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે અલ્હાબાદ બેન્ક, આઇડીબીઆઈ, કેનેરા બેન્ક અને યુનિયન બેન્કના શેરમાં પણ છેલ્લા એક સપ્તાહમાં સાત ટકાનો વધારો નોંધાયો છે.
એસબીઆઈ ૧૧.૬૨ ટકા
બેન્ક ઓફ બરોડા ૧૧.૫૮ ટકા
પીએનબી ૧૧.૪૪ ટકા
બેન્ક ઓફ ઇન્ડિયા ૧૦.૪૬ ટકા
અલ્હાબાદ બેન્ક ૭.૬૮ ટકા
આઈડીબીઆઈ ૭.૩૪ ટકા
યુનિયન બેન્ક ૭.૦૮ ટકા
કેનેરા બેન્ક ૭.૫૪ ટકા
ઈન્ડિયન બેન્ક ૫.૧૧ ટકા
ઓરિયન્ટલ બેન્ક ૪.૩૮ ટકા