Air India Flight gets Bomb Threat : એર ઈન્ડિયાના વિમાનમાં બોમ્બ હોવાની ધમકી મળી છે. આ ફ્લાઈટ દિલ્હીથી શિકાગો જઈ રહી હતી. ધમકી મળ્યા બાદ તેને કેનેડાના એરપોર્ટ પર ડાયવર્ટ કરાઈ હતી. એરલાઇન સાથે જોડાયેલા એક અધિકારીએ આ અંગે માહિતી આપી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે, ’15 ઓક્ટોબર, 2024ના રોજ એરક્રાફ્ટ AI 127એ દિલ્હીથી શિકાગો માટે ઉડાન ભરી હતી. સુરક્ષા ખતરા અંગે એક મેઈલમાં ઓનલાઈન પોસ્ટ કરાઈ હતી, જે બાદ સાવચેતીના ભાગરૂપે તેને કેનેડાના ઈકાલુઈટ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતું.’
એરલાઈને પીટીઆઈને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેથી નિર્ધારિત સુરક્ષા પ્રોટોકોલ મુજબ વિમાન અને મુસાફરોની ફરીથી તપાસ કરવામાં આવી રહી છે.’
સોમવારે બોમ્બની ધમકી બાદ મુંબઈથી ન્યૂયોર્ક જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટને દિલ્હી ડાયવર્ટ કરવામાં આવી હતી. સ્ટાન્ડર્ડ સેફ્ટી પ્રોટોકોલને અનુસરીને એરક્રાફ્ટની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. જો કે આ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી.