બેંગ્લુરૂ
જનતા દળ સેક્યુલર (જેડીએસ)ના ધારાસભ્ય દળના નેતા એચડી કુમારસ્વામીએ આજે કર્ણાટકના ૨૪માં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. કુમારસ્વામીને મુખ્યમંત્રી તરીકેના શપથ રાજ્યના રાજ્યપાલ વજુભાઇ વાળાએ અપાવ્યા હતા. કુમારસ્વામી સિવાય ઉપ મુખ્યમંત્રી તરીકે કોંગ્રેસના જી. પરમેશ્વરે પણ શપથ ગ્રહણ કર્યા છે. વિધાનસભાના સ્પીકર પણ કોંગ્રેસી નેતા જ હશે. આ પદ કેઆર રમેશ કુમાર સંભાળશે. આ શપથ ગ્રહણ સમારોહની ખાસ વાત એ છે કે, અહીં આજે નવ પાર્ટીઓના નેતાઓ હાજર છે અને તેઓ ૨૦૧૯માં મોદી વિરોધી એકજૂથતા દર્શાવે તેવી સંપૂર્ણ શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે શપથ ગ્રહણમાં સમારોહમાં હાજરી આપવા અનેક સભ્યો સવારથી મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. આ સાથે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ સમારોહમાં હાજર રહ્યાં છે. આ સિવાય દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, બસપા સુપ્રીમો માયાવતી, અખિલેશ યાદવ, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને સીપીઆઇ નેતા સીતારામ યેચુરી પણ કર્ણાટક વિધાનસભા સ્થળે પહોંચ્યા છે. કોંગ્રેસની તરફથી કેસી વેણુગોપાલે કહ્યું હતું કે કોંગ્રેસ-જેડીએસ નેતાઓએ બેઠકમાં કેબિનેટની રચનાને લઇ ચર્ચા કરી હતી. ૩૪ મંત્રીઓમાંથી ૨૨ મંત્રી કોંગ્રેસના અને ૧૨ મંત્રીઓ સહિત મુખ્યમંત્રી જેડીએસ તરફથી હશે. બહુમતી સાબિત કર્યા બાદ વિભાગોની વહેંચણી કરાશે.