ટર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ અર્દોગાન દ્વારા સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાશ્મીર મુદ્દો ઉઠાવવા અને ટર્કી દ્વારા ફાઇનેન્શિયલ ઍક્શન ટાસ્ક ફોર્સ બેઠકમાં ખૂલીને પાકિસ્તાનનો સાથ આપ્યા બાદ ભારતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રસ્તાવિત ટર્કી પ્રવાસને રદ કરી દીધો છે.
વડા પ્રધાન મોદી એક મોટા રોકાણ સંમેલનમાં ભાગ લેવા માટે ૨૭-૨૮ ઑક્ટોબરે સાઉદી અરેબિયા જઈ રહ્યા છે. તેઓને ત્યાંથી ટર્કી જવાનું હતું પરંતુ હવે તેઓ ત્યાં નથી જવાના.
ટર્કી અને ભારતના સંબંધો ક્યારેય બહુ હકારાત્મક નથી રહ્યા, પરંતુ આ પ્રવાસ રદ થવાથી સ્પષ્ટ થઈ ગયું છે કે બંને દેશોના સંબંધોમાં ખટરાગ ઊભો થઈ ગયો છે.કાશ્મીર મુદ્દે પહેલા ચીન ખૂલીને સામે નહોતું આવ્યું, પરંતુ ચીનનું વલણ પાકિસ્તાન પ્રત્યે જગજાહેર છે. આતંકવાદ રોકવા પર ચીન, ટર્કી અને મલેશિયાએ પાકિસ્તાન દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાંના વખાણ કર્યા હતા. ભારતે આ દલીલ પર ઇસ્લામાબાદને બ્લૅક લિસ્ટ કરવાની ભલામણ કરી હતી કે તેણે હાફિજ સઈદને પોતાના ફ્રીઝ ખાતાઓમાંથી પૈસા ઉપાડવાની મંજૂરી આપી છે. પાકિસ્તાનમાં આપવામાં આવેલી માફી યોજના પર ચિંતા વ્યક્ત કરી હતી.