કર્ણાટકઃ કુમારસ્વામીએ બહુમત સાબિત કર્યો, 117 ધારાસભ્યોનું સમર્થન, બહુમત પહેલાં સદનમાં હોબાળો થયો અને બીજેપીએ વોકઆઉટ કર્યું હતું
બેંગલુરુઃ કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ શુક્રવારે વિધાનસભામાં બહુમત સાબિત કરી દીધો છે. તેમના સમર્થનમાં 117 ધારાસભ્યોએ મતદાન કર્યું. વિશ્વાસમત પહેલાં જ યેદિયુરપ્પા સહિત ભાજપના ધારાસભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કરી લીધું હતું. એક સપ્તાહમાં આવું બીજી વખત થયું કે, ભાજપે ફ્લોર ટેસ્ટમાં ભાગ લીધો નહતો. આ પહેલાં 19 મેએ વિશ્વાસમત સાબિ ત કરતા પહેલાં જ યેદિયુરપ્પાએ રાજીનામું આપી દીધું હતું. શુક્રવારે ગૃહમાં પોતાના ભાષણ દરમિયાન યેદિયુરપ્પાએ કહ્યું હતું કે, આ ગઠબંધનવાળી સરકાર વધારે દિવસે ચાલશે નહીં. તેમણે કુમારસ્વામીની સરખામણી કાચિંડા સાથે પણ કરી હતી. કુમારસ્વામીએ જવાબમાં કહ્યું હતું કે, તેઓ કોઈના પર અંગત રીતે હુમલો નહીં કરે. તેમણે વિશ્વાસ રજૂ કર્યો કે, ગઠબંધનની સરકાર સંપૂર્ણ 5 વર્ષ ચાલશે.
8 દિવસમાં બીજેપીના 3 નાટક
– યેદિયુએ 17મેના રોજ બહુમતના શપથ લીધા હતા અને ત્યારપછી ફ્લોરટેસ્ટ પહેલાં જ રાજીનામું આપી દીધું હતું.
– 5 દિવસપછી ભાજપે સ્પીકર પદ માટે ઉમેદવાર ઊભો કર્યો અને તેણે પણ એન્ડ સમયે નામ પરત લઈ લીધું.
– આજે કુમારસ્વામીનો ફ્લોર ટેસ્ટ થાય તે પહેલાં જ ભાજપ ધારાસભ્યોએ વોક આઉટ કર્યું.
અમે સંપૂર્ણ પાંચ વર્ષ સરકાર ચલાવીશું
– કુમારસ્વામીએ કહ્યું કે, જેડીએસ-કોંગ્રેસ ગઠબંધન સંપૂર્ણ પાંચ વર્ષ સુધી સરકાર ચલાવશે. મને ખબર છે કે હું સંપૂર્ણ બહુમતી વાળી સરકાર ચલાવવા નથી જઈ રહ્યો. મને દુખ છે કે, લોકોએ મારા પણ સંપૂર્ણ વિશ્વાસ ન દાખવ્યો. પરંતુ અમે સંપૂર્ણ પાંચ વર્ષ સુધી સરકાર ચલાવીશું અને જનતા માટે કામ કરીશું. અમે અહીં અમારા અંગત હિત પૂરા કરવા નથી આવ્યા.
– હું અને મારા પિતા કદી સત્તા માટે લાલચુ નહતા. અમે અમારા જીવનનો મોટા ભાગનો સમય રાજકારણમાં જ પસાર કર્યો છે. મારા પિતા અને પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા પર એક ધબ્બો લાગ્યો હતો જ્યારે તેમણએ 2006માં સરકાર બનાવવા માટે ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું. પરંતુ આજે આ ડાઘ પણ ધોવાઈ ગયો છે.
યેદિયુએ સીએમને આપી ધમકી
આ પહેલાં સદનને સંબોધિત કરતાં સીએમ કુમારસ્વામીએ કહ્યું હતું કે, જનાદેશ બીજેપી માટે નહતો. આ વિવાદથી બીજેપીએ ફ્લોર ટેસ્ટ પહેલાં જ સદનમાંથી વોક-આઉટ કરી દીધું હતું. યેદિયુરપ્પાએ કહ્યું કે, જો સરકારે ખેડૂતોના ધિરાણ માફ નહીં કરે તો તેઓ સોમવારે સમગ્ર રાજ્યમાં પ્રદર્શન કરશે.
કોંગ્રેસના નેતા બન્યા સ્પીકર
કર્ણાટક વિધાનસભાના નવા સ્પીકર તરીકે કોંગ્રેસ રમેશ કુમાર નવા સ્પીકર બન્યા છે. તેઓ પહેલા પણ વિધાનસભા અધ્યક્ષ રહી ચૂક્યા છે. ફ્લોર ટેસ્ટના ઠીક પહેલા બીજેપીના સુરેશ કુમારે પોતાનું નામ પરત લઈ લીધું હતું. બીજેપી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ કહ્યું કે, સ્પીકર પદની ગરિમા કાયમ રાખવા માટે બીજેપીએ પોતાના ઉમેદવારનું નામ પરત લીધું. આ દરમિયાન, કુમારસ્વામીએ વિશ્વાસમત પ્રસ્તાવ રજૂ કર્યો. તે પહેલા કુમારસ્વામએ કહ્યું હતું કે મને કોઈ વાતનો તણાવ નથી. જીત મારી જ થશે. આ દરમિયાન, વિધાનસભા શરૂ થતા પહેલા કોંગ્રેસ નેતા અને ઉપ મુખ્યમંત્રી જી પરમેશ્વરે જેડીએસ સાગથે ગઠબંધનના મુખ્યમંત્રીને લઈને મોટું નિવેદન આપ્યું. તેઓએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ સમગ્ર પાંચ વર્ષના કાર્યકાળ માટે મુખ્યમંત્રી તરીકે એચડી કુમારસ્વામીનું સમર્થન કરવા પર હજુ કોઈ નિર્ણય લીધો નથી.
જનાદેશ બીજેપી માટે નહોતો- કુમારસ્વામી
વિશ્વાસમત પ્રસ્તાવ રજૂ કરતા પહેલાં કુમારસ્વામીએ ગૃહને સંબોધિત કરતા કહ્યું કે જનાદેશ બીજેપી માટે નહોતો. તેઓએ કહ્યું કે, આ વખતે જનાદેશ વર્ષ 2004ની જેમ છે. તે વર્ષે હું પહેલીવાર ધારાસભ્ય બન્યો હતો અને ગૃહની કાર્યવાહીને જોઈ હતી. કુમારસ્વામીએ કહ્યું કે યેદિયુરપ્પાએ કહ્યું કે રાજ્યપાલે નિયમોનું પાલન કર્યું કે પહેલા સૌથી મોટી પાર્ટીને સરકાર બનાવવાની તક મળવી જોઈએ. હું ગુલાબ નબી આઝાદ, સિદ્ધારમૈયા અને પરમેશ્વરનો આભાર માનું છું.
મંત્રી મંડળમાં 12:22ની ફોર્મૂલા
દરમિયાન, કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે સત્તાની ભાગીદારીની ફોર્મ્યુલા નક્કી થઇ ગઇ છે. જોકે, તેની પુષ્ટિ હજુ માત્ર કોંગ્રેસે કરી છે. કોંગ્રેસના 22 ધારાસભ્યો મંત્રી બનશે. જ્યારે જેડીએસ પ્રમુખના મુખ્યમંત્રી બનવા ઉપરાંત જેડીએસ તરફથી 12 અન્ય વિધાયકો મંત્રી બનશે. કોંગ્રેસના નેતા કે સી વેણુગોપાલે તેની પુષ્ટિ કરી છે. આ દરમિયાન કુમારસ્વામીએ મંગળવારે જણાવ્યું કે આગામી પાંચ વર્ષ કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકાર ચલાવવી સરળ નહિ હોય. આ મારી જિંદગીનો મોટો પડકાર હશે. હું આશા નથી રાખતો કે હું સરળતાથી મુખ્યમંત્રી તરીકે મારી જવાબદારીઓ પૂરી કરી શકીશ. તે પહેલા કુમારસ્વામીએ સરકારમાં 30-30 માસની ભાગીદારીની ફોર્મ્યુલાને નકારી કાઢી હતી.