તિરૂઅનંતપુરમની મેયર બનશે : 21 વર્ષની આર્યા B.SC સેકન્ડ યરનો અભ્યાસ પણ પૂર્ણ કરશે
તિરૂઅનંતપુરમ, તા. ૨૫
કેરળની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તિરૂઅનંતપુરમથી જીતનારી CPI(M)ની આર્યા રાજેન્દ્રનને પાર્ટીએ તિરૂઅનંતપુરમની મેયર માટે પસંદ કરી છે. 21 વર્ષની આર્યા પદ સંભાળતાની સાથે જ દેશની સૌથી યુવા મેયર બની જશે. હાલ તેને BSCનો અભ્યાસ પણ પૂર્ણ કર્યો નથી. તે સેકન્ડ યરમાં છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આર્યા સૌથી યુવા કેન્ડિડેટ હતી. તેઓએ UDFની શ્રીકલાને 2872 વોટથી હરાવી. CPI(M)નું કહેવું છે કે અમે અમારી લીડરશિપમાં ભણેલી-ગણેલી મહિલાઓને વધુમાં વધુ ભાગીદારી આપવા માગીએ છીએ. 100 સભ્યવાળી તિરૂઅનંતપુરમ નગરપાલિકાની ચૂંટણીમાં CPI(M)એ 51 સીટ જીતી છે. ભાજપ અહીં મુખ્ય વિપક્ષી દળ છે. તેના ખાતામાં 35 સીટ આવી છે. કોંગ્રેસની આગેવાની વાળી UDFને આ ચૂંટણીમાં 10 સીટ મળી છે. 4 અપક્ષ ઉમેદવારની જીત થઈ છે. આર્યાએ કહ્યું કે આ પાર્ટીનો નિર્ણય છે અને હું તેનું પાલન કરીશ. ચૂંટણી દરમિયાન લોકોએ મને પ્રાથમિકતા આપી, કારણ કે હું વિદ્યાર્થી છું. લોકો ઈચ્છે છે કે તેનો પ્રતિનિધિ ભણેલો હોય. હું મારો અભ્યાસ પૂરો કરીશ અને મેયર તરીકેની જવાબદારીઓ પણ નિભાવીશ. આર્યાના પિતા ઈલેક્ટ્રિશિયન અને માતા LIC એજન્ટ છે. સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં CPI(M)ના હેલ્થ સ્ટેન્ડિંગ કમિટીની પૂર્વ ચેરમેન પુષ્પલતા, શિક્ષક યૂનયનની લીડર એજી ઓલેના અને જમીલા શ્રીધરનને મેયર તરીકે પ્રોજેક્ટ કરાયા હતા. પુષ્પલતા અને ઓલેના ચૂંટણી જીતી હારી ગઈ હતી. જમીલા શ્રીધરન સરકારી નોકરીમાંથી રિટાયર થઈ છે. તે ઉપરાંત વંચીયૂર ડિવીઝનમાં પ્રથમ વખત કોર્પોરેટર બનેલ 23 વર્ષના ગાયત્રી બાબુનું નામ પણ ચર્ચામાં હતું. આ બધાની જગ્યાએ આર્યાને મેયર તરીકે પસંદ કરાયા છે.