એક તરફ કેન્દ્ર સરકાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકની થેલી પર પ્રતિબંધ મુકવામાં આવતા ખાદીની ખરીદી માટે આવતા ગ્રાહકોને મફતમાં ખાદીના કાપડની થેલી આપવાનો અભિગમ ગુજરાતમાં પ્રથમ વખત વડોદરાના આનંદપુરા સ્થિત ખાદી ભંડાર દ્વારા અપનાવવામાં આવ્યો છે.
વડોદરા: ખરીદી માટે આવતા ગ્રાહકોને મફતમાં ખાદીની થેલી આપવાનો નવતર અભિગમ







ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઓક્ટોબર માસમાં ગાંધી જયંતિ નીમીત્તે ખાદીની ખરીદી કરવાનું આહવાન કરવામાં આવ્યા બાદ ખાદીના વેચાણમાં વધારો નોંધાયો છે. શહેરના આનંદપુરા વિસ્તારમાં આવેલ પ્રશાંત પ્લાઝા સ્થિત ગ્રામ વિકાસ સંઘ ખાદી એમ્પોરિયમમાં ખાદીની ખરીદી પર ૨૫% વળતર આપવામાં આવે છે, ઉપરાંત ૨૦૦૦ની ખરીદી ઉપર ૨૦૦ રૂપિયાનું ખાદી એમ્પોરિયમનું વાઉચર આપવામાં આવે છે. આ વર્ષે ખાદીની વિવિધ પ્રાંતોની વેરાયટી ઉપલબ્ધ છે. નાના બાળકો માટે ખાદીના તૈયાર વસ્ત્રો, રેશમ ખાદી, કટિયા મટકા ખાદી, ખાદીના પટોળા સહિત વિવિધ ખાદીના કાપડ તેમજ વસ્ત્રો ઉપલબ્ધ છે. ખાદીમાં લોકો સિલ્ક, રીંકલ, રિંકલ ફ્રી, વુલન જેવું ખાદી મટિરિયલ ખરીદે છે. આ વર્ષે વેજીટેબલ ખાદી નવી આવી છે. લોકો આ ખાદીના કાપડને જોતા જ ખાદી ખરીદવાનો ઉત્સાહ ધરાવે છે.
ખાદી ગ્રામોદ્યોગમાં ખાદી ગુજરાતના સૌરાષ્ટ્રના રાણપુર, પારડી, સુરેન્દ્રનગર સહિત વિવિધ શહેરોમાંથી આવે છે. ગુજરાતમાંથી જાડી ખાદી આવે છે, જ્યારે પાતળી ખાદી સાઉથ, વેસ્ટ બંગાળ, યુ.પી., હરીયાણા, છત્તીસગઢ વગેરે રાજ્યોમાંથી આવે છે. પ્લાસ્ટિક પર મુકવામાં આવેલ પ્રતિબંધને કારણે આ સંસ્થા દ્વારા ગુજરાતમાં ખાદીની ખરીદી પર ખાદીની થેલી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.