જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીને લઇને ભાજપ-કોંગ્રેસ વચ્ચે ભારે રસાકસી છે ત્યારે ચૂંટણી પડઘમ શાંત થાય તે પહેલા જસદણમાં કોંગ્રેસના નવજોતસિંહ સિદ્ધુની જાહેર સભા યોજવામાં આવી જેમાં કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધૂએ સરકારને નિશાને લીધી.
કોંગ્રેસના નેતા અવસર નાકિયાના સમર્થનમાં આયોજીત રેલીમાં નવજોતસિંહ સિદ્ધૂએ પંજાબી ભાષામાં પોતાના સંબોધનની શરૂઆત કરી. તેમણે કહ્યું કે, ખેડુતો અને ગરીબો માટે જસદણમાં આવ્યો છું. મતદારોમાં ઉમંગ ભરવા આવ્યો છુ. તેમણે કહ્યું કે, હવે ગુજરાતની પાઘડી બચાવવાનો સમય આવી ગયો છે.
તેમણે ભાજપના ઉમેદવાર પર આક્ષેપો કરતા કરતા કહ્યું કે, બાવળિયા પાસે પૈસા સંપત્તી હશે પણ અવસર પાસે લોકોના પ્રેમ અને વિશ્વાસ છે. ભાજપના લોકો તમને રૂપિયા અને દારૂથી ખરીદવાનો પ્રયાસ કરશે પરંતુ તમારો મત ગુજરાત માટે અને કોંગ્રેસ માટે આપજો.
પેટ્રોલની વધતી કિંમતો પર તેમણે કટાક્ષ કરી કહ્યું કે, પેટ્રોલ પુરાવતી વખતે પેટ્રોલ પંપ પર વડાપ્રધાનનો હસતો ચહેરો બળ્યા પર મીઠું ભભરાવનાનું કામ કરે છે. તેમણે કહ્યું, ન રૂપાણી બચશે, ન મોદી બચશે. બૂરે દિન જાને વાલે હૈ, રાહુલ ગાંધી આને વાલે હૈ.
તેમણે ખેડુતો મુદ્દે કહ્યું કે, કોંગ્રેસની સરકારમાં કપાસના ભાવ 1400 હતા પરંતુ અત્યારે કપાસના ભાવ 900 રૂપિયા જ છે. નરેન્દ્ર મોદીએ ફક્ત દેશમાં જુઠાણું ફેલાવ્યું છે. ભાજપના લોકો પાસે સત્ય બોલાવવું અશક્ય છે. દેશના ખેડુતોને કેન્દ્ર સરકારે માત્ર લોલીપોપ આપ્યો છે. દેશનો રાજા ખેડુત છે રાજનેતા નહી. તેમજ આ સિવાય મોદી લહેરને તેમણે કહેર ગણાવી હતી. કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધૂએ આ સિવાય ભાજપ અધ્યક્ષ અમિત શાહને પણ નિશાને લીધાં હતા. તેમજ વિજય માલ્યા મુદ્દે પણ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.