મુંબઇ: રાજ્યમાં ઠંડીની ઋતુમાં અચાનક કમોસમી વરસાદને કારણે ખેડૂતો પર સંકટના વાદળો ઘેરાઇ ગયા છે. અરબી સમુદ્રમાં ઓછા દબાણનો પટ્ટો નિર્માણ થતાં તેનું પરિણામ મુંબઇ સહિત આખા કોંકણમાં જોવા મળી રહ્યું છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી કોંકણ સહિત નાશિક અને વિદર્ભમાં વરસાદી વાતાવરણને કારણે પાકને મોટું નુકસાન થઇ રહ્યું છે. વિદર્ભમાં ચણા, ઘઉં, તુવેર અને શાકભાજીના પાક પર માઠું પરિણામ જોવા મળી રહ્યું છે. એટલું જ નહીં રવી પાકમાં રોગ થઇ રહ્યો હોવાથી પાક ખરાબ થઇ રહ્યો છે, પરિણામે ખેડૂતોની હાલત કફોડી થઇ રહી છે. કોંકણ અને રત્નાગીરીના જગપ્રસિદ્ધ આંબાના પાકને પણ આ કમોસમી વરસાદને કારણે નુકસાન થયું છે. તેમાં રોગ થવાની શક્યતા પણ વધી હોવાનું અનુમાન નિષ્ણાતો લગાવી રહ્યા છે. મરાઠવાડામાં પણ ચણા, તુવેર, સૂર્યમુખીના ફૂલ જેવા અનેક પાકમાં વિપરિત વાતાવરણને કારણે રોગ થવાની શરૂઆત થઇ ગઇ હોવાથી કોરોનાકાળમાં મહારાષ્ટ્રના ખેડૂતોની હાલત વધુ ખરાબ થઇ રહી છે. સૌથી વધુ ઉત્પાદન થતાં કાંદા અને દ્રાક્ષના પાકમાં પણ મવા નામનો રોગ થઇ રહ્યો છે. હજી થોડા દિવસ આવું જ વાતાવરણ રહ્યું તો રાજ્યના ખેડૂતોને સૌથી મોટું નુકસાન થાય એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.