ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, શુક્રવારે ભુજ 42.2 ડીગ્રી સાથે ગુજરાતનું સૌથી ગરમ શહેર બન્યું હતું. જ્યારે અમદાવાદ સહિત રાજ્યના 8 શહેરમાં સરેરાશ મહત્તમ તાપમાનનો પારો 39 ડિગ્રીને પાર થયો છે ત્યારે આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજી બે દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. આ સાથે અમદાવાદમાં પણ બે દિવસ પારો 40 ડિગ્રીની આસપાસ રહેશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. ગરમીના પારાની વાત કરીએ તો, સુરેન્દ્રનગરમાં 41.5, રાજકોટ-કંડલામાં 41.2, ડીસામાં 41, અમરેલીમાં 40.5, કેશોદમાં 40.1, વડોદરામાં 38.6, સુરતમાં 32.3, ભાવનગરમાં 36.1 જ્યારે ગાંધીનગરમાં 38.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.ગરમી વધવાથી લૂ લાગવી, શરદી, હીટ સ્ટ્રોક, ટાઈફોઈડ, ઓરી, ફૂડ પોઇઝનિંગ જેવા રોગોનો પણ ભોગ બની શકે છે. એપ્રિલની શરૂઆતમાં જ તાપમાન 40ને પાર જવાની સંભાવના હવામાન વિભાગ જણાવી રહ્યું છે.હીટવેવને કારણે કચ્છના શહેરી વિસ્તારો ઉપરાંત રણના ગામોમાં ભારે ઉકળાટ અને લૂનો અનુભવ થયો હતો. અનુમાન પ્રમાણે, 2થી 3 દિવસ દરમિયાન કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઉષ્ણતામાનનો પારો 40થી 41 ડીગ્રી રહેવાની સંભાવના છે.