મુંબઇ જતા અમદાવાદના પ્રવાસીઓ માટે દુરન્તો એક્સપ્રેસ આશીર્વાદરૂપ છે. આ ટ્રેન માત્ર છ કલાકમાં અમદાવાદથી મુંબઇનું અંતર કાપી લે છે થોડો વખત પહેલા આ ટ્રેનને રાજકોટ સુધી લંબાવવામાં આવી હતી એટલે કે આ ટ્રેનનો વહીવટ પણ અમદાવાદ રેલવે ડિવિઝને રાજકોટ ડિવિઝનને સોંપી દીધો હતો. જેથી રોજેરોજ ટ્રેનનું મેન્ટેનન્સ પણ રાજકોટ ડિવિઝન કરવાનું હતું.
છ મહિના સુધી આ ટ્રેનનો વહીવટ સંભાળ્યા બાદ આખરે રાજકોટ ડિવિઝને દુરન્તો ટ્રેનને મુંબઈ ડિવિઝનને સોંપી દીધી છે જેની પાછળ એવું કારણ આપ્યું છે કે આ ટ્રેનની મરામત થઈ શકે એવી વ્યવસ્થા જ રાજકોટ ડિવિઝન પાસે નથી.
આમ હવે ગુજરાતની માલિકીની ગણાતી દુરન્તો એક્સપ્રેસની માલિકી મુંબઈ રેલવે ડિવિઝનની થઈ ગઈ છે. આ અંગે ખરેખર વાસ્તવિક સ્થિતિ શું છે તે જાણવા માટે અમદાવાદના ડી આર એમ દિનેશકુમારનો સંપર્ક કરવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ તેઓ મળી શક્યા નહોતા.
બીજી બાજુ અમદાવાદ ડિવિઝનના ઉચ્ચ અધિકારીઓએ નામ ના લખવાની શરતે જણાવ્યું કે આ વાત સાચી છે. રાજકોટ ડિવિઝનમાં મેઈન્ટેન્સ નહીં થઈ શકવાને કારણે મુંબઈ ડિવિઝનને આ ટ્રેન સોંપાઈ છે પરંતુ તેને કારણે માલિકી હક્ક બદલાઈ જાય તેવું નથી. દૂરન્તોની માલિકી તો વેસ્ટર્ન રેલ્વેની જ છે બીજી બાજુ ડી આર યુ સી સી ના સભ્ય કશ્ય વ્યાસ જણાવે છે કે અમદાવાદ રેલવેને જાણે પાસિંગ સ્ટેશન બનાવી દેવાયું છે ખરેખર તો દુરન્તો ટ્રેનને રાજકોટ ડિવિઝનને સોંપવાની જરૂર જ ન હતી.
ગુજરાતની માલિકીની ગણાતી દુરન્તો ટ્રેન હવે મુંબઈ રેલ્વે માલિકીની થઈ ગઈ છે. ભૂતકાળમાં વાજપેયી સરકાર વખતે અમદાવાદ બોમ્બે જનતા ટ્રેનને જયપુર લઈ જવાઈ હતી. એ સમયે ગુજરાતના સાંસદ સ્વર્ગસ્થ બ્રહ્મકુમાર ભટ્ટ કેન્દ્ર સાથે રજૂઆતો કરી હતી.
ત્યારબાદ અમદાવાદને લોકશક્તિ ટ્રેન અપાઈ હતી પરંતુ હાલના ભાજપના અમદાવાદના બંને સાંસદો અને ગાંધીનગરના સાંસદ માત્ર તાલી વગાડતા રહી ગયા છે બીજી બાજુ અમદાવાદની VIP ગણાતી ટ્રેનો અન્યત્ર ખસેડાઈ રહી છે. જેને કારણે અમદાવાદના લોકોનો આવી ટ્રેનોમાં કોટા પણ ઘટી રહ્યા છે દુરન્તો ટ્રેન અમદાવાદથી ઉપડતી હતી ત્યારે પણ ક્યારેય આ ટ્રેન ખાલી દોડતી ન હતી આમ છતાં અમદાવાદને અન્યાય કરવા માટે ઈરાદાપૂર્વક દુરન્તો ટ્રેનને મુંબઈ રેલ્વે ડિવિઝનના હવાલે કરી દેવાઇ છે