અમદાવાદ સહિત રાજ્યમાં હજુ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી આગામી 5 દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સાબરકાંઠા, બનાસકાંઠા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર સહિત અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ રાજ્યમાં સરેરાશ સિઝનનો 108 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 116 ટકા વરસાદ, સૌરાષ્ટ્રમા 105 ટકા વરસાદ, પૂર્વ મધ્ય ગુજરાતમા 100 ટકા વરસાદ, ઉત્તર ગુજરાતમાં 88 ટકા વરસાદ અને કચ્છમાં 137 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં જ્યારે સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં નોંધાયો છે.
સમગ્ર સૌરાષ્ટ્રમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ખાંભા પંથકમાં વહેલી સવારે 1થી 10 ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા છે. તેમજ લાસા ગામમાં ભારે વરસાદથી રાવલિયો નદીમાં ઘોડાપૂર આવ્યું છે.
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 2.6 ઈંચ વરસાદ વલસાડ જિલ્લાના ઉમરગામમાં નોંધાયો છે. અમદાવાદમાં શનિવારે મોડી સાંજ પછી પડેલા વરસાદમાં સૌથી વધુ બે કલાકમાં એક ઈંચ વરસાદ પડ્યો હતો. વરસાદને લીધે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. આ સિવાય ચાંદખેડા, ગોતા, વાસણા, પાલડી, એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદ પડ્યો હતો.